૧૪મા માળેથી પડ્યા બાદ પણ ટીનેજરનો ચમત્કારિક બચાવ

23 December, 2023 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એટલું જ નહીં,  તેને કોઈ પણ પ્રકારની ગંભીર ઈજા ન થઈ, પરિવારના જીવમાં જીવ આવ્યો   

પ્રતીકાત્મક તસવીર

આપણામાં કહેવત છે, રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવતને સાર્થક કરતી હોય એવી ઘટના કુર્લા-ઈસ્ટમાં મંગળવારે બની હતી. ૧૩ વર્ષની છોકરી ૧૪મા માળેથી નીચે પટકાઈ હતી, પણ તે બચી ગઈ હતી. એટલું જ નહીં, તેને કોઈ ગંભીર ઈજા પણ થઈ નહોતી. 

કુર્લા-ઈસ્ટના નેહરુનગરમાં મિડાસ ભૂમિ હાર્મની કૉમ્પ્લેક્સમાં આવેલા બિલ્ડિંગમાં ૧૩ વર્ષની સમીરા શેખ તેના પરિવાર સાથે રહે છે. તેનો હાલમાં જ બર્થ ડે ગયો હતો એથી તે તેને મળેલી ગિફ્ટ સાથે વિન્ડો પાસે બેઠી હતી. તેનાં માતા–પિતા બાજુના રૂમમાં હતાં. સમીરાએ કોઈક રીતે સંતુલન ગુમાવતાં ૧૪મા માળેની વિન્ડોમાંથી તે નીચે પટકાઈ હતી. તેનાં માતા-પિતાને જ્યારે આ વિશે જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ ગભરાઈ ગયાં હતાં અને એક જ ક્ષણમાં અનેક વિચારે તેમના મગજમાં તોફાન મચાવી દીધું હતું. જોકે સમીરાને સુખરૂપ જોતાં તેઓ આનંદવિભોર થઈ ગયાં હતાં. બન્યું એવું હતું કે સમીરા ૧૪મા માળેથી નીચે પટકાઈ, પણ એ વખતે ત્યાં ઉગાડેલા મોટા ઝાડની ડાળીઓ પર ભટકાતાં-ભટકાતાં તે નીચે આવેલા પતરા પર પટકાઈ હતી, એથી એની ઇમ્પેક્ટ ઘટી ગઈ હતી અને તેને ખાસ કોઈ ઈજા પણ થઈ નહોતી. તેના પગને થોડા ઘણા ઉઝરડા પડ્યા હતા, એ સિવાય તેને કશું લાગ્યું નહોતું. જોકે એમ છતાં, સાવચેતી દાખવી તેને સારવાર માટે સાયન હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી.  

નેહરુનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મહમદ યુસુફ માજીદ સૌદાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રમતાં-રમતાં તે છોકરી નીચે પડી ગઈ હતી, નીચે ફાઇબરનાં પતરાં લાગેલાં હતાં એના પર તે પડી હોવાથી બચી ગઈ હતી. તેને સાયન હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેની તબિયત ફાઇન હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.’    

suicide kurla mumbai mumbai news