મીરા રોડમાં ઘર લેવા માટે ભેગા ‍કરેલા ૭ લાખ રૂપિયા ચોરાઈ ગયા

28 February, 2025 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીએ નશો કરવા માટે આ કામ કર્યું હતું : ચોરીના પૈસામાંથી ૨૫ જોડી કપડાં ખરીદ્યાં : ચાર દિવસ પછી આરોપી પકડાઈ ગયો

પ્રતીકાત્મક તસવીર

મીરા રોડમાં ભંગારની દુકાન ચલાવતી ૭૦ વર્ષની એક મહિલાએ ચાલીમાં ઘર લેવા માટે રૂપિયા ભેગા કર્યા હતા. એ ઉપરાંત તેણે થોડા રૂપિયા લોકો પાસેથી ઉધાર લઈને કૅશ ૭ લાખ રૂપિયા બૅન્કમાંથી કઢાવીને દુકાનમાં રાખ્યા હતા. જોકે ઘર ખરીદતાં પહેલાં ૨૦ ફેબ્રુઆરીએ એક દિવસ માટે તેઓ ગુજરાત ગયાં ત્યારે તેમના રૂપિયા ચોરાઈ ગયા હતા. ડ્રગ્સનો નશો કરવા માટે એક રીઢા ચોરે એ રૂપિયા દુકાનમાંથી ચોરી લીધા હતા. એટલું જ નહીં તેણે એ રૂપિયામાંથી પચીસ જોડી નવાં કપડાં ખરીદ્યાં હતાં. કાશીગાવ પોલીસે ફરિયાદના આધારે તપાસ કરીને આરોપીને પકડી તેની પાસેથી ૪.૫ લાખ રૂપિયા પાછા મેળવ્યા છે.

કાશીગાવ પોલીસે કહ્યું હતું કે ‘૨૭ વર્ષનો ઇસ્માઇલ શેખ રીઢો ગુનેગાર છે. તે નશો કરવા માટે નાની-મોટી ચોરી કરતો રહે છે. અઠવાડિયા પહેલાં જ જેલમાંથી છૂટ્યો હતો અને લાગ જોઈને તેણે ચોરી કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ અમે ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કરીને ખબરી નેટવર્કમાંથી માહિતી કઢાવીને ઇસ્માઇલને ૨૪ ફેબ્રુઆરીએ ઝડપી લીધો હતો. હાથમાં પૈસા આવતાં તેણે એકસાથે પચીસ જોડી કપડાં ખરીદ્યાં હતાં. અમે એ પણ રિકવર કર્યાં છે. કોર્ટમાં હાજર કતાં કોર્ટે આરોપીને આજે શુક્રવાર સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.’

mira road crime news mumbai crime news mumbai police news mumbai mumbai news