UKના છોકરા સાથે લગ્ન કરવાનું સપનું જોવાનું ભારે પડ્યું મીરા રોડની ગુજરાતી યુવતીને

22 July, 2025 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગ્નની લાલચ આપીને યુવતીને વિડિયો-કૉલ પર નિર્વસ્ત્ર કરાવી અને એ જ વિડિયો વાઇરલ કરવાની ધાકધમકી આપીને પૈસા પડાવી લીધા

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મીરા રોડ-ઈસ્ટના પ્લેઝન્ટ પાર્કમાં રહેતી ૨૩ વર્ષની ગુજરાતી યુવતીને યુનાઇટેડ કિંગડમ (UK)ના રાહુલ નામના યુવકે લગ્ન કરવાનું ખોટું આશ્વાસન આપીને જબરદસ્તી નગ્ન બની વિડિયો-કૉલ કરવાની ફરજ પાડી હતી. એ પછી એ જ વિડિયો વાઇરલ કરવાની ધમકી આપીને ૧.૧૦ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ કાશીમીરા પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી.

ગુજરાતી યુવતી લગ્ન કરીને UK સેટલ થવા માગતી હતી અને એ માટે તેણે ગૂગલ પર UK મૅરેજ સેન્ટરનો નંબર શોધવાની કોશિશ કરતાં તેનો ભેટો સાઇબર-ગઠિયા સાથે થયો હતો. UKના રાહુલ હોવાનો ઢોંગ કરીને સાઇબર-ગઠિયાએ વિવિધ કારણો દર્શાવી આઠથી ૧૯ જુલાઈ વચ્ચે ૧.૧૦ રૂપિયા પડાવી લીધા હતા.

કઈ રીતે પડાવ્યા પૈસા?
કાશીમીરાના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાહુલે યુવતીને કહ્યું હતું કે UKમાં મારી એક હોટેલ અને ગાડીનો શોરૂમ છે. એટલું જાણ્યા બાદ યુવતીએ તેની સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. એ વાતો દરમ્યાન રાહુલે તેને વિડિયો-કૉલ કરીને નિર્વસ્ત્ર થવાનું કહ્યું હતું. એ પછી યુવતી વિડિયો-કૉલ દરમ્યાન નિર્વસ્ત્ર થઈ હતી. બીજા દિવસે રાહુલે મુંબઈ ઍરપોર્ટ પર આવી ગયો હોવાનું કહ્યું અને ઍરપોર્ટના અધિકારીએ તેને રોકી રાખ્યો હોવાનું કહીને પોતાને ત્યાંથી છોડાવવા માટે પૈસાની માગણી કરી. જોકે યુવતીએ પૈસા આપવાનો ઇનકાર કરતાં રાહુલે તેને એક વિડિયો મોકલ્યો હતો જેમાં યુવતી નગ્ન હતી. રાહુલે એ વિડિયો વાઇરલ કરવાની ધમકી આપીને આઠથી ૧૯ જુલાઈ વચ્ચે ૧.૧૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. એ પછી વધારે પૈસાની માગણી કરવામાં આવતાં યુવતીએ ઘરની વ્યક્તિઓને જણાવ્યા બાદ અમારી પાસે ફરિયાદ નોંધવામાં આવી હતી.’

mira road crime news mumbai crime news mumbai police united kingdom cyber crime news mumbai mumbai news