05 July, 2025 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા રોડની એક લિફ્ટમાંથી સામાન લઈને બહાર આવી રહેલો ફેરિયો.
રેલવે-પ્રશાસને દિવ્યાંગો અને સિનિયર સિટિઝનોની સુવિધા માટે વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેનાં મોટા ભાગનાં સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટરની વ્યવસ્થા કરી છે. જોકે વેસ્ટર્ન રેલવેના મીરા રોડ સ્ટેશન પર લિફ્ટનો ઉપયોગ નજીકના સ્કાયવૉક પર બેસતા ફેરિયાઓ તેમના માલસામાનની હેરફેર માટે કરી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે આ બાબતની ફરિયાદ રેલવેના સ્થાનિક મુસાફરોએ સ્ટેશન-માસ્ટરને કરી હોવા છતાં તેમની ફરિયાદ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેને કારણે દિવ્યાંગો અને સિનિયર સિટિઝનોમાં નારાજગી પ્રવર્તી રહી છે.
આ લિફ્ટ દિવ્યાંગો અને સિનિયર સિટિઝનો માટે છે એવું લિફ્ટની ઉપર પ્રશાસન તરફથી મૂકવામાં આવેલું બોર્ડ.
આ બાબતની માહિતી આપતાં એક સિનિયર સિટિઝને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવે-પ્રશાસન સુવિધા ઉપલબ્ધ કર્યા પછી એના ગેરઉપયોગ પર નજર રાખતી નથી. મીરા રોડમાં સ્ટેશન-અધિકારી અને રેલવે પ્રોટેક્શન ફોર્સની સાઠગાંઠથી ફેરિયાઓ લિફ્ટ અને એસ્કેલેટર બન્નેનો બેફામ ગેરઉપયોગ કરે છે, જેને કારણે અમારે હેરાનગતિ સહન કરવી પડે છે અને રેલવેને નુકસાન થાય છે. અમારે ત્યાં ચાર નંબરના પ્લૅટફૉર્મ પર લિફ્ટ છે, એની બાજુમાં જ સ્કાયવૉક આવેલો છે. સ્કાયવૉક નગરપાલિકાની હેઠળ આવે છે, જેના પર ફેરિયાઓ બેસે છે. આ સ્કાયવૉકના દાદરા ઊંચા હોવાથી ફેરિયાઓ હેવી સામાન ઊંચકીને લઈ જઈ શકતા નથી. આથી તેઓ રેલવેનાં એસ્કેલેટર અને લિફ્ટનો ઉપયોગ કરે છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ ફેરિયાઓ વગર ટિકિટે રેલવે પરિસરમાં અવરજવર કરે છે, જેને રેલવે-અધિકારીઓ સ્ટેશન પર બેસાડવામાં આવેલાં કલૉઝ્ડ સર્કિટ ટેલિવિઝનમાં જોઈ શકે છે. આમ છતાં આ ફેરિયાઓને રોકવા માટે કોઈ જ પ્રયાસ કરવામાં આવતો નથી. આ ફેરિયાઓ એસ્કેલેટર, લિફ્ટ અને સ્કાયવૉકનો ઉપયોગ કરીને રેલવેના મુસાફરોને નડતરરૂપ બને છે. આની સામે રેલવે પ્રશાસને જાગવાની અને કાર્યવાહી કરવાની તાતી જરૂર છે.’