સોસાયટીની મીટિંગ બની હિંસક

22 March, 2023 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા રોડની એક સોસાયટીમાં કન્વેયન્સ ડીડની મીટિંગમાં ભૂતપૂર્વ ચૅરમૅન એવા પોલીસ અધિકારીએ અમુક બાબતોનો વિરોધ કરતાં રોષે ભરાયેલી નવી કમિટીના ચાર લોકોએ તેમને માર માર્યો હોવાની કરી ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મીરા રોડની એક સોસાયટીની મીટિંગ દરમિયાન કમિટી મેમ્બરો સામે સવાલ કરતાં ચાર લોકોએ ભેગા મળી સોસાયટીમાં રહેતા પોલીસ અધિકારીને માર માર્યો હતો. પોલીસ અધિકારીને ઇલાજ માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મીરા રોડ પોલીસ સ્ટેશને હાલમાં આ ઘટનાની ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મીરા રોડ-ઈસ્ટમાં બેવર્લી પાર્ક વિસ્તારમાં આવેલી સુંદરસાગર સોસાયટીમાં રહેતા અને બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી બાબુ વિઠ્ઠલ રાઠોડે કરેલી ફરિયાદ અનુસાર તેઓ ૨૦૧૩થી ૨૦૨૨ સુધી સુંદરસાગર સોસાયટીના ચૅરમૅન હતા. રવિવારે સાંજે સુંદરસાગર સોસાયટીમાં કન્વેયન્સ ડીડ સંદર્ભમાં નવી કમિટીએ એક મીટિગનું આયોજન કર્યું હતું. એ દરમિયાન ૨૦૧૫માં બિલ્ડરે અન્ડરટેકિંગ લેટરમાં ગરબડ કરી હોવાનો દાવો કરીને નવી કમિટીના સભ્યો ફરિયાદીને પહેલાં અપશબ્દો બોલ્યા હતા. એનો વિરોધ કરવા જતાં શંકર ભારતી, નરેન્દ્ર દડશી, નીતિન સાળવી અને અશોક કનોજિયાએ ભેગા મળીને ફરિયાદીને માર માર્યો હતો. એ પછી નીતિન સાળવીએ નીચે પડેલી લાદી બાબુ રાઠોડને મારતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. તેમને ઇલાજ માટે રાજીવ ગાંધી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. મીરા રોડ પોલીસે સોમવારે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી અને આરોપીઓની ધરપકડ કરી હતી.
મીરા રોડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજયસિંહ બાગલનો ‘મિડ-ડે’એ વધુ માહિતી લેવા સંપર્ક કરતાં તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.

mumbai mumbai news mira road mumbai police