31 May, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બૅન્ક-ટ્રાન્સફર સામે રોકડા પૈસા આપવાનો વાયદો કરીને બે લોકોએ મીરા રોડમાં રહેતી ૩૫ વર્ષની શ્રદ્ધા શાહ સાથે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. આરોપી ગોલુ શર્મા અને ધ્રમિત બાજવાએ બે ટકા કમિશન લઈને પાંચ લાખ રૂપિયાની બૅન્ક-ટ્રાન્સફર સામે ૪.૯૦ લાખ રૂપિયા રોકડા આપવાનો વાયદો કરીને શ્રદ્ધા પાસેથી ૧૫ મેએ પૈસા લીધા હતા. ત્યાર બાદ બૅન્ક-ટ્રાન્સફર કરવામાં આવી ન હોવાનો અથવા રોકડા પૈસા પાછા આપવામાં આવ્યા ન હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ નાસી ગયેલા બન્ને આરોપીઓની પોલીસે તપાસ શરૂ કરી છે.
મીરા રોડ પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર મેઘના બુરાડેએ ઘટનાક્રમની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો વ્યવસાય કરતી શ્રદ્ધાને ડેઇલી વેજિસ પર કામ કરતા અમુક કામદારોને રોકડામાં પૈસા આપવાના હતા. પોતાની પાસે બૅન્કમાં પૈસા હોવાથી તેને એની સામે રોકડા પૈસા જોઈતા હતા. એ સમયે તેની ઓળખાણ ગોલુ શર્મા સાથે થઈ હતી. તેણે બે ટકા કમિશન લઈને સામે રોકડા પૈસા આપવાનો વાયદો કર્યો હતો. એના માટે શ્રદ્ધાએ તૈયારી દેખાડીને ધ્રમિત બાજવાના ખાતામાં ૧૫ મેએ પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. આની સામે બીજા દિવસે રોકડા પૈસા આપવાની વાત થઈ હતી. જોકે બીજા દિવસે રોકડા પૈસા માટે ફોન કરતાં આરોપીઓએ તેને રખડાવવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ આરોપી ગોલુ શર્માએ પોતાનો નંબર બંધ કરી દેતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શ્રદ્ધાને ખાતરી થઈ હતી. અંતે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી. આ કેસમાં આરોપી ગોલુ શર્મા રેકૉર્ડ પરનો આરોપી હોવાની માહિતી મળી છે.’l