૧૦૨ કરોડના કથિત યુએલસી કૌભાંડમાં બે અઠવાડિયાંથી ફરાર મીરા-ભાઇંદરના ટાઉન પ્લાનિંગ ઑફિસરની ધરપકડ

26 June, 2021 11:00 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

થાણે ક્રાઇમ બ્રાન્ચના ભિવંડી યુનિટે સુરતમાં ઝડપીને આરોપી દિલીપ ઘેવારેના ૨૮ જૂન સુધી રિમાન્ડ મેળવ્યા

ધરપકડ કરાયેલા ફરાર ટાઉન પ્લાનિંગ વિભાગના ઇન્ચાર્જ દિલીપ ઘેવારે

મીરા-ભાઈંદરમાં ૨૦૧૬માં ખૂબ ગાજેલા કથિત ૧૦૨ કરોડ રૂપિયાના યુએલસી (અર્બન લૅન્ડ સીલિંગ) કૌભાંડમાં થાણે ક્રાઇમ બ્રાન્ચે અહીંના ટાઉન પ્લાનિંગ વિભાગના ભૂતપૂર્વ ઇન્ચાર્જ, એક કર્મચારી અને એક આર્કિટેક્ટની બે અઠવાડિયાં પહેલાં ધરપકડ કરી હતી. આ સમયે ફરાર થઈ ગયેલા આ કથિત કૌભાંડના મુખ્ય આરોપી ટાઉન પ્લાનિંગ અધિકારી દિલીપ ઘેવારેની થાણે ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે સુરતથી ધરપકડ કરી હતી અને ૨૮ જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

મીરા-ભાઈંદરના કેટલાક ડેવલપરોએ રેસિડેન્શિયલ વિસ્તાર હોવા છતાં ગ્રીન ઝોન હોવાના ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરીને યુએલસીની સુવિધા લીધા બાદ બોગસ કાગળિયાંના આધારે મહાનગરપાલિકામાંથી પરવાનગી લઈને બાંધકામ કરવાની સાથે સરકારને આર્થિક નુકસાન કર્યું હોવાની ફરિયાદ ૨૦૧૬માં પરમબીર સિંહ થાણેના પોલીસ કમિશનર હતા ત્યારે દાખલ કરાઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ કેટલાક સર્વે નંબરની જમીનના મામલામાં ફરિયાદ કરવામાં આવી હતી. ડેવલપમેન્ટ પ્લાન મુજબ આ જમીન રેસિડેન્શિયલ હોવા છતાં એ ગ્રીન ઝોનમાં હોવાનું દર્શાવીને વર્ષ ૨૦૦૦ની યુએલસીમાં સુવિધા મેળવવા માટે બનાવટી સર્ટિફિકેટ ૨૦૦૩-’૦૪માં બનાવાયાં હતાં.

કેટલાંક સર્ટિફિકેટ તો અરજી કર્યા વિના જ બનાવાયાં હતાં તો કેટલાંક ખોટાં કાગળિયાંના આધારે તૈયાર કરાયાં હોવાનું પોલીસની તપાસમાં જણાયું હતું. આથી એ સમયે મીરા-ભાઈંદરના કેટલાક બિલ્ડરો સહિત આ મામલા સાથે સંબંધ ધરાવતા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ડેવલપરોએ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી અને યુએલસી ઑફિસના અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને સરકાર સાથે ચીટિંગથી કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કર્યું હોવાનું તપાસમાં જણાયું હતું. આ મામલામાં થાણે પોલીસના ડીસીપી લક્ષ્મીકાંત પાટીલના માર્ગદર્શનમાં એસીપી સરદાર પાટીલની ટીમે તપાસ શરૂ કરી છે. ગુરુવારે મોડી રાત્રે આ મામલામાં મહાનગરપાલિકાના નિવૃત્ત ટાઉન પ્લાનિંગ ઑફિસર સત્યવાન ધનેગાવ, આર્કિટેક્ટ શેખર લિમયે અને યુએલસી વિભાગના કર્મચારી ભરત કાંબળેની ધરપકડ કરવામાં આવી હતી.

આ કહેવાતા કૌભાંડનો મુખ્ય આરોપી દિલીપ ઘેવારે ફરાર થઈ ગયો હતો. તેણે આગોતરા જામીન મેળવવા માટે થાણે કોર્ટમાં અરજી કરી હતી જે ફગાવી દેવાયા બાદ તે મહારાષ્ટ્ર છોડીને ગુજરાતમાં છુપાયો હોવાની માહિતી મળ્યા બાદ થાણે ક્રાઇમ બ્રાન્ચના ભિવંડી યુનિટે તેને પકડવા માટે જાળ બિછાવી હતી.

ભિવંડી ક્રાઇમ બ્રાન્ચ યુનિટના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર અને આ કેસના તપાસ અધિકારી મહેન્દ્ર જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના ઇન્ચાર્જ દિલીપ ઘેવારેની સુરતમાંથી ધરપકડ કરી છે. પાંચ વર્ષ જૂના કથિત ૧૦૨ કરોડ રૂપિયાના યુએલસી કૌભાંડમાં તેમની પણ ભૂમિકા હોવાના કરાયેલા આરોપસર આ કાર્યવાહી કરાઈ છે. આ મામલાની આગળની તપાસ અને વધુ માહિતી મેળવવા માટે અમે કોર્ટમાંથી ૨૮ જૂન સુધી તેમના રિમાન્ડ મેળવ્યા છે.’

mumbai mumbai news mira road bhayander prakash bambhrolia