29 July, 2025 06:57 AM IST | Mumbai | Shirish Vaktania
સ્કૂટી પર પાછળ બેઠેલી મહિલાનો હાથ ટ્રકના પૈડા નીચે આવી ગયો હતો.
મીરા-ભાઈંદરમાં શનિવારે સાંજે પાંચ વાગ્યે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સમ્રાટ હોટેલ પાસે થયેલા અકસ્માતમાં સ્કૂટી પર જઈ રહેલું દંપતી ઓવરટેક કરવાના ચક્કરમાં રસ્તા પર પટકાયું હતું, પરિણામે સાઇડમાંથી પસાર રહેલી ટ્રકનું પૈડું મહિલાના હાથ પરથી ફરી વળતાં તેનો હાથ કાપી નાખવો પડ્યો હતો.
કાશીમીરા પોલીસે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘હિતેશ જોશી અને તેની પત્ની વર્ષા જોશી બન્ને સ્કૂટી પર જઈ રહ્યાં હતાં એ વખતે સ્કૂટી ચલાવી રહેલા હિતેશ જોશીએ બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રકની આગળ નીકળી જવા ટ્રકની
લેફ્ટ સાઇડથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે આગળ પાર્ક કરેલી એક રિક્ષા આવી જતાં એ રિક્ષા અને ટ્રકની વચ્ચે સ્કૂટી ફસાઈ ગઈ હતી. બૅલૅન્સ ગુમાવતાં બન્ને નીચે પટકાયાં હતાં. ત્યારે વર્ષાના હાથ પરથી ટ્રકનું ટાયર ફરી વળતાં તે ગંભીર રીતે ઘવાઈ હતી. તરત જ તેને નજીકની ઑર્બિટ હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. ડૉક્ટરોએ તેને તપાસીને હાથ પાછો જોડી શકવાની સ્થિતિમાં ન હોવાથી કાપવાનો નિર્ણય લેવો પડ્યો હતો. આ આખી ઘટના ત્યાં લગાડાયેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝીલાઈ હતી. ટ્રક-ડ્રાઇવર સામે ગુનો રજિસ્ટર કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.’