બદલાપુરમાંથી કિડનૅપ કરાયેલી ૪ વર્ષની બાળકી ૨૪ કલાકમાં જ મધ્ય પ્રદેશમાંથી મળી

28 June, 2025 06:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૪ કલાકમાં જ આ બાળકીને શોધવામાં પોલીસને સફળતા મળી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બદલાપુર-વેસ્ટમાં રમેશવાડીમાં રહેતી ૪ વર્ષની બાળકીનું તેના ઘરની નજીકથી જ અપહરણ કરવામાં આવ્યું હતું. ૨૪ કલાકમાં જ આ બાળકીને શોધવામાં પોલીસને સફળતા મળી છે. બદલાપુર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ થોર્વેએ જણાવ્યું હતું કે ‘મંગળવારે બપોરે એક વાગ્યાની આસપાસ બાળકીના ઘરની નજીકથી જ એક અજાણ્યો માણસ તેનું અપહરણ કરીને તેને લઈ ગયો હતો. તેનાં મમ્મી-પપ્પાએ તેને બધે જ શોધી હતી, પણ બાળકી ન મળતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને બાળકીની શોધખોળ શરૂ કરી હતી. એ માટે ૪ પોલીસટીમ કાર્યરત કરવામાં આવી હતી.’

CCTV કૅમેરાનાં ફુટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે અપહરણકર્તા બાળકીને તેની સાથે લઈ ગયો હતો. ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્તચરોની મદદથી પોલીસે ૨૪ કલાકમાં જ બાળકીને મધ્ય પ્રદેશના ​છિંદવાડામાંથી શોધી કાઢી હતી. આ સર્ચ-ઑપરેશનમાં છિંદવાડાની ઉમરેઠ પોલીસે મદદ કરી હતી.

ઇન્સ્પેક્ટર અનિલ થોર્વેએ જણાવ્યું હતું કે ‘બાળકીને બુધવારે બદલાપુર પાછી લાવવામાં આવી હતી તેમ જ અપહરણ કરનાર ૨૫ વર્ષના આરોપી રંજિત ધુર્વેની અટકાયત કરવામાં આવી છે. અપહરણ પાછળનો ઉદ્દેશ હજી જાણી શકાયો નથી.’

mumbai news mumbai mumbai crime news Crime News mumbai police