09 November, 2022 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
એકનાથ શિંદે જૂથના નેતા અબ્દુલ સત્તારે એનસીપીનાં બારામતીનાં સાંસદ સુપ્રિયા સુળે વિશે વાંધાજનક નિવેદન કરવા સામે રાજ્યભરમાં એનસીપી વિરોધ-પ્રદર્શન કરી રહી છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘કોઈએ મહિલા વિશે અપશબ્દ ન કહેવા જોઈએ. આ અયોગ્ય છે. અમે આવું બોલનારાનો વિરોધ કરીએ છીએ. સત્તાધારી પક્ષના નેતાઓને જેવી રીતે આ નિયમ લાગુ પડે છે એમ વિરોધ પક્ષના નેતાઓએ પણ સંભાળીને બોલવું જોઈએ.’ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ અબ્દુલ સત્તારને ભવિષ્યમાં આવું નિવેદન ન કરવાની ચેતવણી આપી હતી.
બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું હતું કે ‘રાજકારણમાં બધાએ આચારસંહિતાનું પાલન કરવું જોઈએ. સત્તાધારી પક્ષ એનું પાલન કરે તો વિરોધ પક્ષના નેતાઓએ પણ કોઈના વિશે અયોગ્ય ન બોલવું જોઈએ. અબ્દુલ સત્તારે ભૂલ કરી, પણ ખોખાંની ભાષા બોલવી પણ યોગ્ય નથી. રાજકારણમાં બોલવાનું સ્તર અત્યંત નીચે ગયું છે. મોટા નેતાઓ જ્યાં સુધી પોતાના સહયોગીઓને આચારસંહિતા પાળવાનું નહીં કહે ત્યાં સુધી આ શક્ય નહીં બને.’
રાજ્યની સંસ્કૃતિ જાળવવી જોઈએ
અબ્દુલ સત્તારે અપશબ્દો કહ્યા બાદ ગઈ કાલે સુપ્રિયા સુળેએ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘આવું નિવેદન સત્તાધારી પક્ષમાં બેસેલી વ્યક્તિ પાસેથી અપેક્ષિત નહોતું. કોઈ અયોગ્ય બોલતું હોય તેમને મહિલાનું સન્માન પસંદ નહીં હોય. આપણે બધાએ રાજ્યની જે સંસ્કૃતિ છે તેનું જતન કરવું જોઈએ.’
મુખ્ય પ્રધાને બેઠક બોલાવી
સરકારમાં સામેલ પ્રધાનો અને વિધાનસભ્યો તેમ જ પ્રવક્તા દ્વારા વિવાદાસ્પદ નિવેદનો કરવામાં આવી રહ્યાં છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે તમામ વિધાનસભ્યોની મુંબઈમાં બેઠક બોલાવી હોવાનું જાણવા મળ્યું હતું. એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય અને સ્કૂલ શિક્ષણપ્રધાન દીપક કેસરકરએ જણાવ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તમામ વિધાનસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિધાનસભ્યો અને પ્રવક્તાઓને ભવિષ્યમાં સંભાળીને બોલવાનું ધ્યાન રાખવાનું કહેવામાં આવશે.’
અનિલ પરબની મુશ્કેલી વધી
શિવસેનાના નેતા અનિલ પરબ સામે રત્નાગિરિના દાબોલીમાં આવેલા સાઈ રિસૉર્ટ પ્રકરણમાં સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધતાં તેમની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. અનિલ પરબની માલિકીના સાઈ રિસૉર્ટમાં પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધકામ કરવાની સાથે રિસૉર્ટ ખરીદવામાં ગેરકાયદે મેળવેલા રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ કર્યા બાદ સોમવારે મોડી રાત્રે ૧૨ વાગ્યે દાપોલી પોલીસે રૂપા દીઘેની ફરિયાદ બાદ એફઆઇઆર નોંધ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
અજિત પવાર વિદેશમાં છે?
એનસીપીની શિર્ડીમાં ચાલી રહેલી શિબિરમાં ગેરહાજર રહેવાની સાથે અબ્દુલ સત્તારે સુપ્રિયા સુળે વિશે અપશબ્દો કહ્યા છે ત્યારે એનસીપીમાં જોરદાર વિરોધ-પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, પરંતુ એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવાર આ બધામાં ક્યાંય દેખાતા નથી. અજિત પવાર વિદેશમાં હોવાનું સૂત્રોએ કહ્યું હતું. તેઓ આજે પાછા ફરશે અને કામે લાગશે એમ કહેવાય છે. એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે અજિત પવાર વિશે કહ્યું હતું કે તેઓ નારાજ નથી, પણ અંગત કામથી બહારગામ ગયા છે.
૨૫૦૦ કરોડનો દાવો કરાશે
એકનાથ શિંદેએ શિવસેનાના ૪૦ વિધાનસભ્યો સાથે પક્ષમાં બળવો કર્યા બાદ આદિત્ય ઠાકરે અને એનસીપીનાં સાંસદ સુપ્રિયા સુળે અને અજિત પવાર સહિતના અસંખ્ય નેતાઓએ બીજેપી પાસેથી ૫૦ કરોડ રૂપિયા લઈને બળવો કરવામાં આવ્યો હોવાનો આરોપ કર્યો છે. આ રકમ લીધી હોવાના પુરાવા આપો અથવા જાહેરમાં માફી માગો અને જો એમ નહીં કરો તો કોર્ટમાં ૨૫૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવાની તૈયારી એકનાથ શિંદે જૂથે કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ જૂથના પ્રવક્તા વિજય શિવતારેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અબ્દુલ સત્તારે અપશબ્દો કહ્યા એ અમારા પર સતત ૫૦ કરોડ રૂપિયા લીધા હોવાના આરોપનું રીઍક્શન હતું. આદિત્ય ઠાકરે, અજિત પવાર અને સુપ્રિયા સુળે રૂપિયા લીધા હોવાના પુરાવા આપે અથવા માફી માગે. જો તેઓ આવું નહીં કરે તો તેમને આ સંબંધે નોટિસ મોકલવામાં આવશે અને કોર્ટમાં તેમની સામે માનહાનિનો ૨૫૦૦ કરોડ રૂપિયાનો દાવો દાખલ કરવામાં આવશે.’
નાયબ મુખ્ય પ્રધાને જવાબદારી લેવી જોઈએ : આદિત્ય ઠાકરે
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એનસીપીનાં નેતા સુપ્રિયા સુળે વિરુદ્ધ રાજ્યના પ્રધાન અબ્દુલ સત્તારે કરેલી ટિપ્પણીની જવાબદારી લેવી જોઈએ. સાથે જ તેમણે આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કાર્યવાહીની માગણી કરી હતી.