12 October, 2025 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આરેથી કફ પરેડ વચ્ચે ઍક્વાલાઇન મેટ્રો 3 શરૂ થતાં મુસાફરોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. અનેક લોકોએ પોતાનાં વાહનો મેટ્રો સ્ટેશન પર પાર્ક કરીને મેટ્રોમાં મુસાફરી કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો એટલે અનેક કાળી-પીળી ટૅક્સીઓ ખાલી પડેલી દેખાઈ હતી અને બસ-સ્ટૅન્ડ પર મુસાફરોની લાઇન પણ ટૂંકી થઈ હતી.
નરીમાન પૉઇન્ટથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)નું મેટ્રોનું ભાડું ૧૦ રૂપિયા છે અને ટ્રાવેલ-ટાઇમ પણ ૧૦ મિનિટની આસપાસ રહે છે, જ્યારે આ બે સ્ટેશન વચ્ચે ટૅક્સીથી જઈએ તો ૮૦થી ૧૦૦ રૂપિયા ભાડું થાય અને ટ્રાવેલ-ટાઇમ પણ ડબલ થાય છે એટલે મુસાફરો મેટ્રોનો વિકલ્પ જ પસંદ કરશે.
આવી જ હાલત બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસની પણ છે. નરીમાન પૉઇન્ટથી CSMT, ચર્ચગેટથી કફ પરેડ અને વરલીથી કોલાબાની બસોમાં જતા લોકો હવે ટ્રાફિક વગર સરળતાથી તેમના લોકેશન પર પહોંચવા માટે મેટ્રોમાં જવાનું પસંદ કરે છે.
BESTના કેટલાક રૂટ પર પ્રવાસીઓની સંખ્યામાં ૨૧ ટકાનો ઘટાડો
મેટ્રો 3ની આખી લાઇન શરૂ થઈ જતાં સાઉથ મુંબઈના કેટલાક મુખ્ય બસરૂટ પર બસથી પ્રવાસ કરતા મુંબઈગરાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. એક અધિકારી પાસેથી મળેલી માહિતી પ્રમાણે મેટ્રો લાઇન 3ના રૂટને આવરી લેતા રૂટ પર ચાલતી બસો અને ખાસ કરીને સાઉથ મુંબઈની બસોમાં ૯ ઑક્ટોબરે પ્રવાસીઓની સંખ્યામાં ૨૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
BESTના કયા રૂટ પર કેટલી સંખ્યા ઘટી?
રૂટ-નંબર ૧૦૩ (આર. સી. ચર્ચ-કમલા નેહરુ પાર્ક) પર બુધવારે લગભગ ૧૦,૦૦૦ પ્રવાસીઓએ બસમાં પ્રવાસ કર્યો હતો. એ આંકડો ગુરુવારે ૭૯૦૦ થયો હતો.
રૂટ-નંબર ૧૧૫ (CSMT-નરીમાન પૉઇન્ટ) પર ૨૧,૫૦૦થી ઘટીને ૧૯,૦૬૬
રૂટ-નંબર ૧૩૫ (બૅકબે ડેપો-CSMT) પર ૧૬,૭૦૦થી ઘટીને ૧૫,૩૦૦