25 May, 2025 06:19 AM IST | Gondia | Gujarati Mid-day Correspondent
રામદાસ મારબડે
મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના તિરોડા તહસીલના ખૈરબોડી ગામના નંદનનગરના રહેવાસી રામદાસ હેમરાજ મારબડેએ પોતાનામાં વિશ્વાસ અને સખત મહેનતથી ઇન્ડિયન સ્પેસ ઍન્ડ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO-ઇસરો)માં નોકરી મેળવી છે અને તે ઇસરોના ટેક્નિશ્યન વિભાગમાં કામ કરે છે. વાત માત્ર આટલી નથી, તેનામાં કંઈક કરવાનો જુસ્સો હતો એથી તેણે ધ્યેયસિદ્ધિ પ્રાપ્ત કરી છે.
રામદાસ મારબડે દિવસના સમયમાં ગામડે-ગામડે જઈને પાણીપૂરી વેચતો હતો. તેણે પોતાની મહેનતથી જે સપનું જોયું હતું એ પૂરું કર્યું છે. આ સંદર્ભમાં રામદાસે કહ્યું હતું કે ‘મારા પિતા ભંડારા જિલ્લાની ડોંગરગાંવ જિલ્લા પરિષદ સ્કૂલમાં પ્યુન હતા. તેઓ હાલમાં રિટાયર થયા છે. મારી માતા ગૃહિણી છે. મારું પ્રારંભિક શિક્ષણ ગણેશ હાઈ સ્કૂલ ગુમાધવડામાં થયું હતું અને તિરોડાની સી. જી. પટેલ કૉલેજમાં મેં બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ નાશિકની કૉલેજમાંથી પ્રાઇવેટ બૅચલર ઑફ આર્ટ્સ (BA) કર્યું. નબળી આર્થિક સ્થિતિને કારણે હું રાતે અભ્યાસ કરતો હતો અને દિવસે પાણીપૂરી વેચતો હતો.’
સાદી પારિવારિક પૃષ્ઠભૂમિની પરવા કર્યા વિના રામદાસે ઇસરોમાં નોકરી મેળવવાના સપના સાથે તિરોડાની ઇન્ડિયન ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ (ITI)માંથી પમ્પ ઑપરેટર-કમ-મેકૅનિકનો અભ્યાસક્રમ શીખવાની શરૂઆત કરી અને સેન્ટ્રિફ્યુગલ, રેસિપ્રોકેટિંગ, ફ્લુઇડ ફ્લો, પ્રેશર, હેડ, કેવિટેશન, વૉટર ટ્રીટમેન્ટ, ઑઇલ, ગૅસ-જાળવણી અને સમારકામમાં પણ તાલીમ મેળવી.
૨૦૨૩માં ઇસરોએ ઍપ્રેન્ટિસ ટ્રેઇની પોસ્ટ્સ માટે ભરતી બહાર પાડી હતી. રામદાસે અરજી કરી. ૨૦૨૪માં તેણે નાગપુરમાં પરીક્ષા પાસ કરી અને ૨૦૨૪માં ૨૯ ઑગસ્ટે તે સ્કિલ ટેસ્ટ આપવા માટે શ્રીહરિકોટા ખાતેના ઇસરોના કેન્દ્ર પર પહોંચ્યો અને પરીક્ષા આપીને પાસ થયો.
એ પછી રામદાસની ઇસરોમાં પસંદગી થઈ અને હાલમાં ૧૯ મેએ જૉઇનિંગ લેટર સાથે રામદાસ મારબડે શ્રીહરિકોટામાં ઇસરોના કાર્યાલયમાં પહોંચ્યો હતો. હવે તે પમ્પ-ઑપરેટર-કમ-મેકૅનિકનું પદ સંભાળીને સૂક્ષ્મ પાસાંઓ પર સંશોધન કરી રહ્યો છે. તેની સફળતા પર પરિવારમાં ખુશીની લહેર છે. એક સમયે પાણીપૂરી વેચતા આ યુવાન પર ગોંદિયા જિલ્લો પણ ગર્વ અનુભવી રહ્યો છે.