03 June, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગ્રંથ મુથા
મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ના ગોપીનાથ મુંડે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના સ્વિમિંગ-પૂલમાં ૨૦ એપ્રિલે ડૂબી જવાથી મૃત્યુ પામેલા ૧૧ વર્ષના ગ્રંથ મુથાના કેસની તપાસ કરવા નિમાયેલી MBMCની ત્રણ સભ્યોની કમિટીએ એનો રિપોર્ટ આપ્યો છે, જેમાં એણે કહ્યું છે કે તપાસ દરમ્યાન જણાઈ આવ્યું છે કે બેદરકારી, સુરક્ષાનાં અપૂરતાં સાધનો અને પ્રશિક્ષણ વગરના લાઇફગાર્ડ્સને કારણે આ દુર્ઘટના ઘટી હતી અને ગ્રંથનો જીવ ગયો હતો.
ઍડિશનલ કમિશનર સંભાજી પાનપટ્ટેની આગેવાની હેઠળની આ કમિટીએ એનો રિપોર્ટ MBMC કમિશનરને સોંપ્યો હતો. આ રિપોર્ટના આધારે MBMC કમિશનર મંગળવારે એના પર નિર્ણય લેશે. કમિટીએ એના રિપોર્ટમાં કહ્યું છે કે સ્વિમિંગ-પૂલના કૉન્ટ્રૅક્ટર, સહા ચૅરિટેબલ ટ્રસ્ટ સુરક્ષાનાં પગલાં લેવામાં નિષ્ફળ ગયાં છે અને તેમણે નીમેલો સ્ટાફ (લાઇફગાર્ડ્સ) સ્વિમિંગ-પૂલ પર દેખરેખ રાખવાની પૂરતી લાયકાત ધરાવતા નહોતો, ટ્રેઇન્ડ નહોતો. ઘટના બની એ વખતે પૂલ પર ચાર લાઇફગાર્ડ્સ તહેનાત હોવા જરૂરી હતા, એને બદલે ત્રણ જ લાઇફગાર્ડ્સ હતા અને તેઓ બાળકો પર પૂરતી નજર રાખી શક્યા નહોતા. ગ્રંથ અન્ડરવૉટર સ્ટ્રગલ કરી રહ્યો હતો એ તરફ લાઇફગાર્ડ્સનું ધ્યાન દોરાયું નહોતું અને જ્યારે એ બાબતે જાણ કરવામાં આવી ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. કમિટીએ એની તપાસ દરમ્યાન એ પણ નોંધ્યું હતું કે પૂરતા પ્રમાણમાં ઇમર્જન્સી ઇક્વિપમેન્ટ પણ નહોતાં, ક્રાઉડ કન્ટ્રોલ કરી શક્યા નહોતા અને તેમનું સુપરવિઝન પણ જોઈએ એવું નહોતું, મૅનેજમેન્ટ અને કૉન્ટ્રૅક્ટર અનક્વૉલિફાઇડ સ્ટાફને રાખવા માટે જવાબદાર હતાં.
ગ્રંથના પિતા હસમુખ મુથાએ કહ્યું હતું કે ‘આ ઘટના માટે ફક્ત કૉન્ટ્રૅક્ટર કે લાઇફગાર્ડ્સ જ નહીં, MBMC પણ એટલી જ જવાબદાર ગણાવી જોઈએ. બાળકોની સુરક્ષાની જેમના પર જવાબદારી હતી એ લાઇફગાર્ડ્સ ટ્રેઇન્ડ છે કે નહીં એ વેરિફાય કરવામાં એ ઊણી ઊતરી હતી. હવે જ્યારે આ કેસમાં ક્રિમિનલ બેદરકારી પુરવાર થઈ છે એમ છતાં પોલીસે હજી સુધી કોઈની ધરપકડ કરી નથી. અમે આ સંદર્ભે જવાબદારી ઠેરવવામાં આવે એવી માગણી કરી છે.’
શું બન્યું હતું?
ભાઈંદર-વેસ્ટમાં રહેતો ૧૧ વર્ષનો ગ્રંથ મુથા તેના મિત્રો સાથે ૨૦ એપ્રિલે MBMCના સ્વિમિંગ-પૂલમાં ગયો હતો. તે સ્વિમિંગ કરતાં પહેલાં સેફ્ટી માટે ફ્લોટર પહેરી રહ્યો હતો ત્યારે ઇન્સ્ટ્રક્ટરે જ તેને કહ્યું હતું કે હવે તો તને તરતાં આવડે છે એટલે તારે ફ્લોટર પહેરવાની જરૂર નથી. એથી ફ્લોટર પહેર્યા વગર જ તે સ્વિમિંગ-પૂલમાં ઊતર્યો હતો. એ ૨૪ ફુટ લાંબે જઈ પાછો ફર્યો અને ૭૦ ટકા ડિસ્ટન્સ કાપ્યા પછી સ્ટૅમિના ગુમાવી ડૂબવા માંડ્યો હતો. તેણે બચવા માટે પ્રયાસ તો કર્યા હતા, પણ એ પૂરતા નહોતા અને તે ડૂબી ગયો હતો. એ વખતે એક પણ લાઇફગાર્ડનું ધ્યાન તેની તરફ ગયું નહોતું. તે ડૂબી ગયા બાદ અન્ય એક છોકરાએ તેને કોઈ પણ હિલચાલ વગર તળિયે જોયો એટલે બહાર આવીને ઇન્સ્ટ્રક્ટરને કહ્યું હતું કે અંદર એક લડકા સો રહા હૈ. ત્યારે પણ ઇન્સ્ટ્રક્ટરે આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. તે છોકરાએ જ્યારે ભારપૂર્વક કહ્યું કે મા કસમ સર, અંદર એક લડકા સો રહા હૈ ત્યારે ઘટનાની ગંભીરતા સમજીને ઇન્સ્ટ્રક્ટરે પાણીમાં ઝંપલાવી ગ્રંથને બહાર કાઢ્યો હતો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને ગ્રંથનું મૃત્યુ થયું હતું.