નવા વર્ષમાં આમઆદમીએ લગ્ન માટે હવે વધુ રૂપિયા ખર્ચવા પડશે

12 January, 2023 12:36 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

મીરા-ભાઈંદર સુધરાઈએ બૅન્ક્વેટ-કમ્યુનિટી હૉલ, ઓપન ગ્રાઉન્ડ અને મંડપ સર્વિસના ભાવમાં ૩૦ ટકા ભાવવધારો ઝીંક્યો 

પ્રતીકાત્મક તસવીર

નવા વર્ષની શરૂઆત થવાની સાથે જ મીરા-ભાઈંદરમાં રહેતા લોકોએ લગ્ન-સમારંભ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ બૅન્ક્વેટ-કમ્યુનિટી હૉલ, ઓપન ગ્રાઉન્ડ અને મંડપ સર્વિસના ભાવમાં ૩૦ ટકા જેટલો વધારો કર્યો છે. સુધરાઈનું કહેવું છે કે ૨૦૧૮થી ભાવમાં વધારો નથી કરાયો એટલે સુધરાઈના ગ્રાઉન્ડ અને બૅન્ક્વેટ-કમ્યુનિટી હૉલ મેઇન્ટેઇન કરવાનું મુશ્કેલ બની ગયું છે એટલે ભાવવધારો કરવો પડ્યો છે.

મીરા-ભાઈંદરના નાગરિકો પર રસ્તાના કામ માટે પ્રૉપર્ટી ટૅક્સના ૧૦ ટકા ટૅક્સ નાખ્યા બાદ સ્થાનિક સુધરાઈએ હવે પાલિકા હસ્તગત બૅન્ક્વેટ-કમ્યુનિટી હૉલ, ઓપન ગ્રાઉન્ડ અને મંડપ સર્વિસના ટૅક્સમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને લાગુ પણ કરી દેવામાં આવ્યો છે.

મીરા-ભાઈંદરના દરેક વૉર્ડમાં સુધરાઈ હસ્તક અનેક મંગલ કાર્યાલય, સમાજ મંદિર, ઓપન મેદાન અને બૅન્ક્વેટ હૉલ આવેલાં છે, જે લગ્ન-સમારંભ કે સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે માટે ભાડે આપવામાં આવે છે. પ્રાઇવેટ હૉલની સરખામણીએ એનું ભાડું ૧૦ ટકા જેટલું જ છે એટલે સામાન્ય નાગરિકો દ્વારા સુધરાઈના આ મેદાન અને હૉલનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે એટલે મોટા ભાગે એ બુક જ હોય છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ બૅન્ક્વેટ-કમ્યુનિટી હૉલ, ઓપન ગાર્ડન, મંડપ સર્વિસ અને શૂટિંગ માટેના ભાડામાં ગયા વર્ષે ૧૯ ડિસેમ્બરે વધારો કરવાનો નિર્ણય લીધો હતો અને આ નિર્ણયને તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવામાં આવ્યો છે. બૅન્ક્વેટ હૉલ (નૉન-એસી)ના અગાઉના ૭,૦૦૦ રૂપિયાના ભાડાને ૧૦,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે, જ્યારે ઍસી હૉલના ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ કરવામાં આવ્યા છે. આવા હૉલમાં ખુરસીઓ માટે પહેલાં પાંચ રૂપિયા ચાર્જ લેવાતો હતો, જે હવે ખુરસીદીઠ ૧૦ રૂપિયા કરવામાં આવ્યો છે. આવી જ રીતે સમાજ મંદિરના ૩,૦૦૦ રૂપિયાના ૬,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ઓપન મેદાનનો ચાર્જ પણ ડબલ કરવામાં આવ્યો છે.

મીરા-ભાઈંદર કુદરતી સંપત્ત‌િથી ભરપૂર છે એટલે છેલ્લાં કેટલાંક વર્ષથી અહીં ફિલ્મ-ટીવીનાં શૂટિંગ થાય છે. પહેલાં રસ્તામાં શૂટિંગ માટે જ્યાં ૨૫,૦૦૦ રૂપિયા લેવાતા હતા એ ૩૫,૦૦૦ કરાયા છે. સુધરાઈના ગાર્ડન-મેદાનની એક એકર જમીન માટે ૫૦,૦૦૦ રૂપિયા ભાડું હતું એ ૭૫,૦૦૦ કરાયું છે અને એક એકરથી મોટી જગ્યા માટેનું ભાડું દોઢ લાખ રૂપિયા કરવામાં આવ્યું છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દીપક ખાંબિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાલિકા હસ્તગત જેટલાં પણ ઓપન મેદાન, ગાર્ડન, કમ્યુનિટી-બૅન્ક્વેટ હૉલ છે એનાં ભાડાં છેલ્લે ૨૦૧૮માં વધારવામાં આવ્યાં હતાં. ચાર વર્ષ પહેલાં નક્કી કરાયેલા ભાડાની આવકથી મેઇન્ટેઇન કરવાનો ખર્ચ પણ નીકળતો નથી. આથી આ વર્ષે ભાડાંમાં વધારો કરવો પડ્યો છે. આ ભાડાવધારાથી સુધરાઈને વધારાની ૨૫ ટકા આવક થશે. જોકે આ રકમથી માત્ર મેઇન્ટેનન્સનો ખર્ચ જ નીકળશે.’

mumbai mumbai news mira road bhayander prakash bambhrolia