સાઇકલ ચોરતો અનોખો ચોર

20 September, 2022 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઇકલ ચોરીને વેચતાં પહેલાં ઢાંકીને નધણિયાતી મૂકી દેતો : જોકે બીજા સ્ટેટમાં વેચે એ પહેલાં જ પકડાઈ ગયો

શાહુનગર પોલીસ સ્ટેશનની બહાર જપ્ત કરાયેલી ચોરાયેલી સાઇકલો

શાહુનગર પોલીસે એક રીઢા સાઇકલચોરને ઝડપ્યો છે અને તેની પાસેથી છેલ્લા બે-ત્રણ મહિનામાં તેમના વિસ્તારમાંથી ચોરાયેલી ૨૭ સાઇકલ પાછી પણ મેળવી છે. જોકે તપાસમાં જાણવા મળ્યા મુજબ નવાઈની વાત એ છે કે તે પૈસા કમાવા માટે સાઇકલ ચોરતો, પણ એની રોકડી થાય એ પહેલાં એમને નધણિયાતી મૂકી દેતો. એ ચોરાઈ જવાની તેને લેશમાત્ર ફિકર નહોતી.  

શાહુનગર પોલીસને છેલ્લા થોડા વખતથી સાઇકલો ચોરાવાની ફરિયાદો મળી રહી હતી. એમાં શાહુનગર પોલીસના ડિટેક્શન સ્ટાફના સબ-ઇન્સ્પેક્ટર હરીશ દેશમુખને ૧૬ સપ્ટેમ્બરે તેમની ટીમ દ્વારા માહિતી મળી હતી કે એક રીઢો સાઇકલચોર માહિમ ફાટક વિસ્તારમાં ફરી રહ્યો છે. એટલે તરત જ ઍક્શન લઈને ૩૮ વર્ષના રઈસ ખાનને ઝડપી લેવાયો હતો. તેની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે માહિમ વિસ્તારમાંથી તેણે છેલ્લા બે-ત્રણ મહિનામાં ઘણી સાઇકલો ચોરી હતી. એ પછી પોલીસે તેને લઈ જઈને અલગ-અલગ જગ્યાએથી એ સાઇકલો પાછી મેળવી હતી. આવી કુલ ૨૭ સાઇકલ તેની પાસેથી મળી આવી હતી.

શાહુનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ હરીશ દેશમુખે આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી રઈસ પાર્ક કરેલી સાઇકલો ચોરવામાં માહેર હતો. તે અત્યાધુનિક લૉક પણ સળિયાની મદદથી તોડી નાખતો અને સાઇકલ લઈને નાસી જતો. જોકે એ પછી એ સાઇકલ લોકોનું બહુ ધ્યાન ન જાય એવી જગ્યાએ મૂકી દેતો અને એના પર પ્લાસ્ટિક નાખી દેતો. લૉક વગરની એ સાઇકલો ત્યાર બાદ નધણિયાતી પડી રહેતી હતી. એ ચોરાવાની તેને ફિકર નહોતી. તેનો હજી એક સાગરીત છે જે નાલાસોપારામાં રહે છે. અમે તેની શોધ ચલાવી રહ્યા છીએ. આ સાઇકલો યુપીના એક માણસને તેઓ બલ્કમાં વેચવાના હતા એવું જાણવા મળ્યું છે.’

આ પહેલાં પણ તેની સામે બાંદરા, ખાર, શિવાજી પાર્ક, ડી. એન. નગર અને એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં સાઇકલચોરીની ફરિયાદો નોંધાઈ છે. હાલ કોર્ટે તેને બે દિવસની પોલીસ-કસ્ટડી આપી છે. ત્યાર બાદ અન્ય પોલીસ સ્ટેશન તેનો તાબો લે એવી શક્યતા છે. 

mumbai mumbai news Crime News mumbai crime news matunga mumbai police