ભિવંડીના ગોડાઉનમાં શુક્રવારે મધરાત પછી લાગેલી ભીષણ આગ બે દિવસ સુધી ભભૂકશે?

27 April, 2025 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્લાયવુડનાં ૮-૧૦ ગોદામ આગમાં બળીને ખાખ, આગને કારણે ઇમારતના અંદરના સ્લૅબ તૂટી પડ્યા

પ્લાયવુડના ગોદામમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા ફાયર-બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

ભિવંડીના રાહનાળ ગામમાં આવેલા સ્વાગત કમ્પાઉન્ડમાં ફર્નિચરનાં અને પ્લાયવુડનાં ગોડાઉનના બિલ્ડિંગમાં શુક્રવારે મધરાત બાદ ૩.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. પ્લાયવુડના ગોદામમાં આગ લાગતાં ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ રૂપ પકડી લીધું હતું. આગને કારણે ઇમારતની અંદરના સ્લૅબ પણ તૂટી પડ્યા હતા. ચીફ ફાયર-ઑફિસરનું કહેવું છે કે ‘ગોડાઉનમાં પ્લાયવુડનો એટલોબધો સ્ટૉક છે કે બે ​દિવસ સુધી એ સળગતો રહેશે એવું લાગી રહ્યું છે. અમે પાણીનો મારો ચલાવી રહ્યા છીએ, પણ આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે.’

જે ઇમારતમાં પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી હતી એના ઉપરના માળે આવેલાં કાપડનાં ગોડાઉનના કામદારોએ તેમનો માલ બચાવી લેવા બારીમાંથી કપડાંના મોટા-મોટા તાકા નીચે ઊભેલી ટ્રકમાં ફગાવ્યા હતા.  

બહુ મોટા પ્રમાણમાં લાકડું, પ્લાયવુડ અને એને ચીટકાવવાના સૉલ્યુશનનો જથ્થો હોવાથી આગ બહુ પ્રસરી ગઈ હતી. પ્લાયવુડની એકની ઉપર એક એમ અનેક શીટ્સ ગોઠવેલી હોવાથી એ આગ અંદર સુધી પ્રસરી છે. સતત પાણીનો મારો ચલાવ્યો હોવા છતાં આગ ઓલવી શકાઈ નહોતી. ભિવંડી અને થાણે ફાયર-સ્ટેશનનાં પાંચ ફાયર-એન્જિન આગ ઓલવવાના સતત પ્રયાસ કરી રહ્યાં હતાં. જોકે પાણીની ખેંચને કારણે ટૅન્કરો પાણી લઈને આવે એ પછી આગ પર એ પાણી પ્રેશરથી છોડવામાં આવતું હતું, પણ ટૅન્કરનું પાણી ખાલી થઈ જતાં બીજાં ટૅન્કર પાણી લઈને આવે ત્યાં સુધી રાહ જોવી પડતી હતી. એથી પણ આગનો વ્યાપ વધતો જતો હતો. આ કાર્યવાહીમાં એક ફાયરમૅન ઘાયલ પણ થયો હતો.

આ આગની દુર્ઘટનાના કેટલાક વિડિયો પણ સોશ્યલ મીડિયા પર ફરતા થયા હતા જેમાં ઉપરના ચોથા માળનાં કેટલાંક કપડાંનાં ગોદામમાં રહેતા કામદારો બારીમાંથી તેમનો સામાન, તાકા વગેરે નીચે ઊભી રાખવામાં આવેલી ટ્રકમાં ફગાવતા હોવાનું જણાઈ રહ્યું હતું. આગ ચોક્કસ કયા કારણસર લાગી એ જાણી શકાયું નહોતું. 

ફાયર-ફાઇટિંગની કોઈ જ સિસ્ટમ લગાડતા નથી

ભિવંડીની આ ભીષણ આગ બાબતે માહિતી આપતાં ભિવંડી ફાયર-બ્રિગેડના ચીફ ફાયર-ઑફિસર રાજેશ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગોડાઉનવાળાઓ પાસે કોઈ જ ફાયર-ફાઇટિંગની સિસ્ટમ નહોતી. એથી તેમની પાસે ફાયર ડિપાર્ટમેન્ટનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ પણ નહોતું. અહીં પાણીની પણ કમી હતી. એથી અમારે બહારથી પાણી લઈને જે ટૅન્કરો આવે એના પર જ આધાર રાખવો પડતો હતો. ગ્રામપંચાયત કે પછી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેલવપમેન્ટ ઑથોરિટી અહીં ગોડાઉનો અને અન્ય ગાળા બનાવવાની પરવાનગી આપે છે, પણ ફાયર-ફાઇટિંગની કોઈ સુવિધા તેઓ કરતા નથી. તેમને માત્ર મહેસૂલ એકઠી કરવામાં રસ હોય છે. આગ લાગે એટલે અમારે તો અમારી ફરજ બજાવવાની જ હોય છે.’ 

mumbai news mumbai bhiwandi mumbai fire brigade fire incident thane