27 September, 2025 11:42 AM IST | Beed | Gujarati Mid-day Correspondent
બીડમાં પાછા શરૂ થયેલા વરસાદથી સોયાબીનના પાકનો સંપૂર્ણ સફાયો ખેતરોમાં કાદવ જ કાદવ
છેલ્લા બે દિવસ બુધવારે અને ગુરુવારે વરસાદ નહોતો, પણ ફરી એક વાર ગઈ કાલે પરોઢિયેથી વરસાદ ચાલુ થતાં મરાઠવાડામાં કાદવ-કાદવ જ થઈ ગયો છે જેમાં સોયાબીનના પાકનો સોથ વળી ગયો છે. બીડમાં બે દિવસ વરસાદ નહોતો એટલે ખેડૂતોએ બચાવી શકાય એવા પાકને બચાવી લેવા હજી કાપણી શરૂ જ કરી હતી અને વરસાદ પડતાં સોયાબીનનો જ કાદવ થઈ ગયો હતો.
બીડ તાલુકાના લિંબ ગણેશ, નેકનુર સહિત કેજ તાલુકાનાં અનેક ગામોના ખેડૂતોએ બે દિવસ સોયાબીનની કાપણીની જે મહેનત લીધી હતી એના પર પણ પાણી ફરી વળ્યું હતું. હવે ખેડૂતો આ પરિસ્થિતિમાંથી બહાર આવવા મોટી મદદની રાહ જોઈ રહ્યા છે.
અતિવૃષ્ટિને કારણે માંજરા નદીનાં પાણી બોરગાવનાં ખેતરોમાં ફરી વળ્યાં હતાં. તુકારામ ગવ્હાણેએ બે એકરમાં લગાડેલી શેરડીનો ઊભો પાક એમાં તણાઈ ગયો હતો. એથી તુકારામને બહુ જ નુકસાન ગયું હતું. જોકે એ પછી તલાટીએ નિયમ મુજબ શેરડીના પાક માટે રાહત નહીં અપાય એમ સ્પષ્ટ કહી દેતાં તે ચોંકી ઊઠ્યો હતો. ખેડૂતોને જ્યારે ખરેખર મદદની જરૂર છે ત્યારે તેમને નિયમ પ્રમાણે મદદ કરવામાં આવશે એમ કહેવાતું હોવાથી તેમનામાં પ્રશાસન માટે નારાજગી ફેલાઈ છે અને રોષ પણ વ્યાપી રહ્યો છે.