મરાઠવાડા પર પ્રકૃતિનો પ્રકોપ યથાવત્, રાજ્યભરમાં વરસાદને લીધે તારાજી

29 September, 2025 07:41 AM IST  |  Marathwada | Gujarati Mid-day Correspondent

૧૧,૫૦૦ જેટલા લોકોને પૂરમાંથી ઉગારવામાં આવ્યા, બે જણનાં મૃત્યુ

મદદ ન મળતાં પૂરગ્રસ્ત ગ્રામવાસીઓએ ૮ કલાક સુધી છાતી સમાણાં પાણીમાં ઊભા રહીને વિરોધ કર્યો

ઉત્તર તથા પશ્ચિમ મહારાષ્ટ્ર અને ખાસ કરીને મરાઠવાડામાં વરસાદનું જોર યથાવત્ રહ્યું છે. નદીઓ ગાંડીતૂર બનતાં સેંકડો ગામડાંઓ પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. ગઈ કાલે મરાઠવાડામાંથી ૧૧,૫૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ૬૫૦૦ લોકોને સોલાપુરના રાહત-કૅમ્પમાં આશ્રય અપાયો છે. ધારાશિવમાંથી ૩૫૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. બે વ્યક્તિઓએ પૂરનાં પાણીમાં તણાતાં જીવ ગુમાવ્યો હતો. છત્રપતિ સંભાજીનગરમાં ૨૪ કલાકમાં ૧૯૬ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કોકણમાં પણ ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો 

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મરાઠવાડાના ૮ જિલ્લા અને સોલાપુરના જિલ્લા અધિકારી પાસેથી પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથે જ વિવિધ ડૅમમાંથી છોડાઈ રહેલા પાણીના પ્રમાણને પણ તેમણે ધ્યાનમાં લીધું હતું. મુખ્ય પ્રધાને માહિતી આપી હતી કે ૪૦૦૨ લોકોને પૂરમાંથી ઉગારવામાં આવ્યા છે. ૬૫૦૦ લોકોને સોલાપુરના રાહત કૅમ્પમાં આશ્રય અપાયો છે, જ્યાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનની મદદથી તેમને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. વરસાદમાં તૂટી પડેલા ઘરનાં પંચનામાં કરવાનું કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે. અસરગ્રસ્તોને કૅશ ૧૦,૦૦૦ રૂપિયા, ૧૦ કિલો ચોખા અને ૧૦ કિલો ઘઉં આપવામાં આવી રહ્યા છે. એ ઉપરાંત શિર્ડીના શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ અને પંઢરપુર વિઠ્ઠલ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર રાહત ફન્ડમાં એક-એક કરોડ રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો છે.

મદદ ન મળતાં પૂરગ્રસ્ત ગ્રામવાસીઓએ ૮ કલાક સુધી છાતી સમાણાં પાણીમાં ઊભા રહીને વિરોધ કર્યો

નાંદેડના ધર્માબાદ તાલુકાના રોશનગાવને પૂરમાં ભારે નુકસાન થયું હતું. સરકારે પંચનામાં તો કર્યાં છે પણ હજી સુધી ગ્રામવાસીઓને કોઈ મદદ મળી નથી એથી પ્રશાસનના વિરોધમાં રવિવારે સવારે ગ્રામવાસીઓએ સામૂહિક જળસમાધિ લેવાનું નક્કી કર્યું હતું. ૩૦૦ જેટલા લોકો એકસાથે ગોદાવરી નદીના બૅક-વૉટરમાં ૮ કલાક સુધી છાતી સમાણાં પાણીમાં ઊભા રહ્યા હતા. લોકોએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે પાંચ વાર તાલુકામાં અતિવૃષ્ટિથી ગામડાં અને ખેતરો સાવ નષ્ટ થઈ ગયાં હતાં, પણ સરકાર તરફથી કશી મદદ મળી નથી રહી. લોન-માફી અને પાક-વીમામાં ૧૦૦ ટકા માફી તથા ૫૦,૦૦૦ રૂપિયાની મદદ જેવી માગણીઓ સાથે ગ્રામવાસીઓએ વિરોધ કર્યો હતો.

mumbai news mumbai marathwada monsoon news mumbai monsoon nanded devendra fadnavis maharashtra news maharashtra indian meteorological department