12 September, 2026 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજે મુંબઈના આંદોલનની તારીખ અને સ્ટ્રૅટેજી નક્કી કરવા માટે સમર્થકો સાથે બેઠક કરશે મરાઠા નેતા
એક બાજુ ગણેશોત્સવ ચાલુ થવાનો છે અને ઑલરેડી એમાં મુંબઈ પોલીસ અને પ્રશાસન રોકાયેલાં રહેશે ત્યારે આઝાદ મેદાનમાં મરાઠા અનામતના આંદોલન માટે અંતરવાલી સરાટીથી મનોજ જરાંગે મુબઈ આવવાની તૈયારી કરી રહ્યા છે. એથી તેમને મુંબઈમાં આવતા રોકવા બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી થઈ હતી. જોકે બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું છે કે આંદોલન કરવું એ દરેક નાગરિકનો મૂળભૂત હક છે અને અમે એમાં દખલ ન દઈ શકીએ. જરૂરી પરવાનગી લઈને આંદોલન કરી શકાય છે એવા હાઈ કોર્ટના નિર્દેશ બાદ મનોજ જરાંગેએ કહ્યું હતું કે સરકાર પરવાનગી આપે કે ન આપે, અમે તો મુંબઈ આવીને આંદોલન કરીશું જ.
મુંબઈના રહેવાસીઓ નીલેશ દહાણુકર અને રાજેશ દળવીએ તેમની અરજીમાં કહ્યું હતું કે ગયા વર્ષે મનોજ જરાંગે દ્વારા કરવામાં આવેલા એ આંદોલન વખતે તેમણે અને તેમના સમર્થકોએ આખા સાઉથ મુંબઈનો તાબો લઈ લીધો હતો અને ત્યાર બાદ બૉમ્બે હાઈ કોર્ટે જ આંદોલનકારીઓને આઝાદ મેદાન ખાલી કરવાનો આદેશ આપવો પડ્યો હતો. એથી આ વખતે તેમને આઝાદ મેદાનમાં આંદોલન કરવાની પરવાનગી ન આપવામાં આવે. જોકે કોર્ટે તેમની એ અરજી માન્ય રાખી નથી. અદાલતે નોંધ્યું હતું કે ગઈ વખત જેવી પરિસ્થિતિ થાય તો સરકાર અેને હૅન્ડલ કરવા સક્ષમ છે, જો જરૂર પડશે તો અમે દખલગીરી કરીશું.
હાઈ કોર્ટના આદેશ બાદ મનોજ જરાંગેએ કહ્યું હતું કે ન્યાયદેવતાનો આદેશ સર્વોપરી છે તો અમને રોકવાવાળી સરકાર કોણ? મરાઠા આંદોલનકારીઓ ક્યારે મુંબઈ આવશે એ વિશે મનોજ જરાંગે આજે જાહેરાત કરે એવી શક્યતા છે.
મરાઠાઓને અનામત અપાવવા મેદાને પડેલા અને ૧૪ દિવસથી ઉપવાસ કરી રહેલા મનોજ જરાંગેએ ગણેશોત્સવમાં જ મુંબઈમાં આંદોલન માટે આવવાની જાહેરાત કરી છે. એથી એ બાબતે પ્રતિક્રિયા આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મારી ફક્ત એટલી જ અપેક્ષા છે કે છત્રપતિ શિવરાયાને માનનારા જે-જે પણ છે, તે હિન્દુ તહેવારો કે પછી ગણપતિમાં વિઘ્ન લાવે નહીં.’