ભારત પોતાની બાળકી અરિહા શાહનો ગૌરવ અને પ્રેમથી ઉછેર કરવા માટે તૈયાર, પ્રતિબદ્ધ અને સક્ષમ છે

15 May, 2025 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જર્મની ઇચ્છે છે કે ભારત અરિહા શાહને પાછી મેળવવા માટે હેગ કન્વેન્શન પર હસ્તાક્ષર કરે

મંગલ પ્રભાત લોઢાની ફાઇલ તસવીર

જર્મનીમાં ફસાયેલી ભારતીય બાળકી અરિહા શાહને ભારત પાછી લાવવા માટે મુંબઈમાં જર્મન કૉન્સ્યુલેટ ખાતે યોજાયેલી એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ જૈન સમુદાયના પ્રતિનિધિમંડળ સાથે કૉન્સલ જનરલ સાથે ચર્ચા કરી હતી, જેમાં ચાર વર્ષની અરિહાને તાત્કાલિક સ્વદેશ પાછી મોકલવાની અપીલ કરવામાં આવી હતી, હાલમાં આ બાળકી જર્મન ફોસ્ટર હોમમાં અનાથની જેમ રહે છે અને તેના વતન તથા પરિવારથી  દૂર છે. 

પ્રતિનિધિમંડળે અરિહા શાહના ભાવિ જીવન વિશે જર્મન સરકારના વલણને સમજવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીનાં માતાપિતાનો કસ્ટડીનો કેસ હવે કોર્ટમાં સુનાવણી હેઠળ નથી, પરંતુ એમ છતાં જર્મન સરકારે ભારતીય બાળકીની કસ્ટડી કેમ રોકી રાખી છે અને ભારત સરકારે નક્કી કરેલા તેના સંબંધીઓ અથવા જૈન પરિવારને કસ્ટડી ટ્રાન્સફર કેમ નથી કરવામાં આવતી એવા સવાલ પણ કરવામાં આવ્યા હતા. 

શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના પ્રતિનિધિઓ નીતિન વોરા, પ્રકાશ ચોપડા, વિનોદ કોઠારી તથા હસમુખ સંઘવી પણ આ બેઠકમાં જોડાયા હતા. પ્રતિનિધિમંડળે ભાર મૂક્યો હતો કે જર્મન પાલકગૃહમાં અરિહા ભારતીય સંસ્કૃતિ ભૂલી રહી છે. તેમણે કહ્યું હતું કે જર્મન અધિકારીઓ દ્વારા ભારતીય બાળસુરક્ષા પ્રણાલીનું મૂલ્યાંકન કરવામાં થતો વિલંબ સમગ્ર જૈન સમુદાય માટે ચિંતાનો વિષય છે, કારણ કે એ ભારતીય બાળકીનું જર્મનીકરણ કરે છે.

મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે ‘અમારું માનવું છે કે ઘટના સમયે કદાચ રક્ષણની જરૂર હશે, પરંતુ હવે અરિહાને સ્વતંત્રતાની જરૂર છે; પોતાના દેશમાં, પોતાની ભાષા, પોતાની શ્રદ્ધા અને પોતાના લોકો સાથે વિકાસ કરવાની સ્વતંત્રતા તેને મળવી જરૂરી છે.’ 

કૉન્સલ જનરલે હેગ કન્વેન્શનમાં ભારતનો સહી ન કરનાર તરીકેના દરજ્જો મુખ્ય અવરોધ છે એમ કહીને સૂચવ્યું હતું કે પ્રતિનિધિમંડળે ભારત સરકારને વિનંતી કરવી જોઈએ કે તેઓ સ્વદેશ પરત ફરવાની સુવિધા માટે એના પર હસ્તાક્ષર કરવા તરફ પગલાં શરૂ કરે. નેધરલૅન્ડ્સના હેગમાં યોજાયેલી વિવિધ કૉન્ફરન્સોમાં આંતરરાષ્ટ્રીય કાયદા, માનવતાવાદ, કાયદાકીય સહકારિતા વગેરે બાબતે જે કરારો થયા છે એમાં એક બાળકોને લગતો પણ છે. બીજા દેશમાં ગેરકાયદે લઈ જવાયેલા કે રોકી રખાયેલાં બાળકોને લગતા આ કરાર પર જોકે ભારતે હસ્તાક્ષર નથી કર્યા.
સમસ્ત મહાસંઘના નીતિન શાહે જણાવ્યું હતું કે ‘આંતરરાષ્ટ્રીય સંધિઓના કાગળકામમાં અરિહાનો કેસ વિલંબિત ન થવો જોઈએ, કારણ કે અહીં બાળકની સાંસ્કૃતિક ઓળખ અને ભાવનાત્મક સુખાકારી જોખમમાં છે. જર્મન સરકારે આને માનવતાવાદી ધોરણે જોવું જોઈએ. હેગ સંધિમાં પરસ્પર કરાર સાથે બાળકોને સ્થાનાંતરિત કરવાની પણ જોગવાઈ છે. જો જર્મની ન્યાયમાં માને છે તો એણે અરિહાને અનાથ રાખવાને બદલે ભારતમાં વિસ્તૃત પરિવાર, સંબંધીઓ અને સમુદાયની કસ્ટડીમાં તેના દેશમાં પરત કરવી જોઈએ. અમે તમને યાદ અપાવવા આવ્યા છીએ કે ભારત અરિહાને ભૂલ્યું નથી.’ 

મંગલ પ્રભાત લોઢાએ મીટિંગના અંતે જણાવ્યું હતું કે ‘હું ફક્ત એક મંત્રી તરીકે જ નહીં પણ એક પિતા તરીકે, એક ભારતીય તરીકે અપીલ કરું છું કે અરિહાને તેના દેશ અને સમુદાય પાસે પાછી મોકલવી જોઈએ. ભારત અરિહાને ગૌરવ અને પ્રેમ સાથે ઉછેરવા માટે તૈયાર, પ્રતિબદ્ધ અને સક્ષમ છે.’ CMD

mumbai news mumbai germany jain community political news