02 August, 2025 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
માલેગાંવ બ્લાસ્ટકેસના ચુકાદા બાદ રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ કહ્યું હતું કે આખરે સત્યનો જ વિજય થાય છે, સત્યમેવ જયતે.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘માલેગાંવ બ્લાસ્ટકેસનો કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. કોર્ટના ચુકાદાનું હું સ્વાગત કરું છું. ૧૭ વર્ષ થયાં. આટલો લાંબો સમય નિર્દોષોએ જેલમાં કાઢવો પડ્યો છે જે તેમના માટે બહુ કમનસીબ રહ્યો છે. આજે કોર્ટે તેમને નિર્દોષ સાબિત કર્યા છે. ફક્ત શંકાના આધારે સજા ન આપી શકાય એવું કોર્ટનું ઑબ્ઝર્વેશન હતું. હું એક વાત યાદ અપાવીશ કે મુંબઈમાં અને મહારાષ્ટ્રમાં તથા આખા દેશમાં આતંકવાદી હુમલા થઈ રહ્યા હતા, બૉમ્બબ્લાસ્ટ થઈ રહ્યા હતા ત્યારે UPAની સરકાર હતી, કૉન્ગ્રેસની સરકાર હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે આતંકવાદને, દહેશતવાદને કોઈ રંગ નથી હોતો, કોઈ ધર્મ નથી હોતો, કોઈ નામ નથી હોતું. જોકે માલેગાંવ બૉમ્બબ્લાસ્ટમાં તેમણે કહ્યું કે આ ભગવો આતંકવાદ છે, આ ભગવો દહેશતવાદ છે. આ પૂરી રીતે તેમનું કાવતરું જ હતું ભગવાને બદનામ કરવાનું, હિન્દુત્વને બદનામ કરવાનું. હિન્દુ સહનશીલ જરૂર છે; પણ તે દેશભક્ત છે, દેશપ્રેમી છે. બાળાસાહેબ પણ કહેતા કે જે કોઈ દેશપ્રેમી હોય, તે પછી કોઈ પણ જાતિનો હોય, અમારો છે અને જે પાકિસ્તાનપ્રેમી છે, તે કોઈ પણ જાતિનો હોય, તે અમારો દુશ્મન છે. એથી હું કહીશ કે આ ભગવો દહેશતવાદ કહીને લોકોને ગેરમાર્ગે દોરવાનું મોટું કાવતરું હતું. એમાં એ લોકો બેનકાબ થઈ ગયા છે. ભગવો આતંકવાદ કહેનારાઓને કોર્ટે તમાચો માર્યો છે. એ સાબિત થયું છે કે સત્ય હંમેશાં સત્ય જ હોય છે.’