10 September, 2025 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૦૦૮માં માલેગાંવમાં થયેલા બૉમ્બબ્લાસ્ટ પ્રકરણમાં સ્પેશ્યલ કોર્ટના ચુકાદાને બ્લાસ્ટમાં મરનારના પરિવારોએ બૉમ્બે હાઈ કોર્ટમાં પડકાર્યો છે. અપીલમાં દાવો કરવામાં આવ્યો છે કે તપાસમાં ગેરરીતિ થઈ હોય અથવા ખામી રહી ગઈ હોય તો આરોપીઓને નિર્દોષ જાહેર ન કરી શકાય.
સોમવારે નિસાર અહમદ સૈયદ બિલાલ સહિત ૬ અરજદારોએ સ્પેશ્યલ કોર્ટના ચુકાદાને હાઈ કોર્ટમાં પડકારવાની અરજી દાખલ કરી હતી. અગાઉ ૩૧ જુલાઈએ માલેગાંવ બ્લાસ્ટના ૭ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચુકાદો ખોટો અને કાયદા વિરુદ્ધ હોવાનું જણાવીને અરજદારોએ હાઈ કોર્ટમાં અપીલ કરી છે.
માલેગાંવમાં થયેલા બ્લાસ્ટમાં BJPનાં ભૂતપૂર્વ સંસદસભ્ય પ્રજ્ઞાસિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત જેવાં મોટાં માથાં સંકળાયેલાં છે. આ અરજી પર હાઈ કોર્ટમાં ૧૫ સપ્ટેમ્બરે સુનાવણી થાય એવી શક્યતા છે.