20 March, 2026 02:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (એઆઈ)
મુંબઈના મલાડ વિસ્તારમાંથી દર્દનાક સમાચાર (Malad Crime) મળી રહ્યા છે. મલાડ ઈસ્ટમાં કુરાર વિલેજ એરિયામાં આવેલ અંબેવાડીસ્થિત છગન પટેલ નામની ચાળમાં માઉલી બિલ્ડરે એક મોટો ખાડો ખોદીને રાખ્યો હતો. આ મોટા ખાડામાં પડી જવાથી આઠ વર્ષના એક બાળકે જીવ ગુમાવ્યો છે.
ગઇકાલે રાત્રે લગભગ આઠ વાગ્યે આ કરુણ ઘટના (Malad Crime) બની હતી. દિવ્યાંશ રાજેશ મૌર્ય નામનો બાળક આઠ વાગ્યાની આસપાસ તેના મિત્રો સાથે ઘરની બહાર રમી રહ્યો હતો. રમતાં રમતા બૉલ ત્યાં પાસે આવેલા એક મોટા ખાડામાં જઈ પડ્યો હતો. અહીં એક મકાનના ચણતરના પાયા માટે માઉલી કન્સ્ટ્રક્શન નામના બિલ્ડરે મોટો ખાડો કરીને રાખ્યો હતો. આ ખાડામાં ગટરનું પાણી ભેગું થઈ ગયું હતું. દિવ્યાંશ તેનો બૉલ લેવા માટે ખાડામાં ઊતર્યો હતો. પરંતુ અંદર ભરાઈ પડેલા ગટરના પાણીમાં ગૂંગળાઈ જવાને લીધે તેનું મોત થયું હતું.
દિવ્યાંશ વિશે ખબર મળતા જ તાબડતોબ સ્થાનિક લોકો અને પોલીસોએ તેને બચાવવાની કોશિશ કરી હતી. તેને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક કાંદિવલીની ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. સ્થાનિક રહેવાસીઓ જણાવી રહ્યા છે કે બાંધકામ સ્થળ પર સેફટીના કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. ખાડો ખોદીને મૂક્યા પછી અહીં કોઈ સુરક્ષા ગાર્ડ કે બેરિકેડ્સની સુવિધા કરવામાં આવી નહોતી. ઉપરાંત આ સ્થળે ખતરો હોવાની કોઈપણ ચેતવણી દર્શાવતા સાઇનબોર્ડ સુદ્ધાં (Malad Crime) લગાડવામાં આવ્યા નહોતા. આ જ બાબતે રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે બિલ્ડરની બેજવાબદારીને કારણે એક નિર્દોષ બાળકને આજે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ મામલે કુરાર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. પોલીસે આ મામલે સઘન તપાસ પણ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ખાડાની આસપાસ પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે આ કરુણાંતિકા સર્જાઇ છે. જોકે, દિવ્યાંશના મોત બાદ વિસ્તારમાં બિલ્ડર પ્રત્યે જબરદસ્ત રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોએ કુરાર પોલીસ સ્ટેશનની બહાર પણ હોબાળો મચાવ્યો છે અને આ કરુણાંતિકા પાછળના જવાબદાર (Malad Crime) લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર અને બિલ્ડર સામે ફોજદારી કેસ નોંધવાની માંગ કરી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે કયા સુરક્ષા નિયમો અમલમાં હતા અને કોની ભૂલને કારણે મૃત્યુ થયું હતું, અને સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ વિસ્તારમાં વાતાવરણ અતિશય તંગ છે. એકબાજુ બાળકના મોતનો માતમ છવાયેલો છે અને બીજી તરફ ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરતાં લોકો રોષ પણ દાખવી રહ્યા છે.