11 August, 2026 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્લિન્કઇટમાં રૅક પર ગોઠવેલાં ટમેટાં પર અને એની આસપાસ કૉક્રૉચ જોવા મળ્યા હતા, એક્સપાયર થઈ ગયેલાં અને પૅકેજિંગમાં તૂટફૂટ ધરાવતાં પૅકેજ્ડ ફૂડ પણ મળી આવ્યાં હતાં.
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેના વડપણ હેઠળ હાલ ચાલી રહેલી કાર્યવાહીઓ અંતર્ગત ૭ ઑગસ્ટે મલાડ-વેસ્ટની રામચંદ્ર લેનમાં આવેલા બ્લિન્ક કૉમર્સ લિમિટેડ (બ્લિન્કઇટ)ના ગોડાઉન પર FDAના ઑફિસરોની ટીમ પહોંચી ગઈ હતી અને ઇન્સ્પેક્શન કર્યું હતું. એ ઇન્સ્પેક્શનમાં અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ, ઘણા બધા કૉક્રૉચ, ખાદ્ય પદાર્થોનું અયોગ્ય સ્ટોરેજ, કાટ ખાધેલી રૅક્સ પર અને નીચે ફર્શ પર મુકાયેલાં શાકભાજી, કોલ્ડ સ્ટોરેજની અપૂરતી સ્વચ્છતા, એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલા અને છેડછાડ કરેલાં પૅકેજ્ડ ફૂડનો સ્ટૉક અને નિયમોના ઉલ્લંઘન કરવા સહિતની અનેક ત્રુટિઓ મળી આવી હતી. સાથે જ શાકભાજી અને ફ્રૂટ્સ પર મોટા પ્રમાણમાં કૉક્રૉચ ફરી રહ્યા હતા એથી એ શાકભાજી અને ફ્રૂટ્સ બગડવાની શક્યતાઓ જણાતી હતી. એથી અેનું ફૂડ-લાઇસન્સ તાત્કાલિક અસર હેઠળ રદ કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં ૭થી ૯ ઑગસ્ટ દરમ્યાન કરાયેલી કાર્યવાહી
રાજ્યમાં ૧૩,૨૬,૬૪૦ રૂપિયાના ૧૪,૩૭૮ કિલો/લીટર દૂધનાં ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યાં.
રાજ્યમાં પ્રતિબંધિત ગુટકા પાનમસાલાનો ૬૩,૨૦૬ રૂપિયાનો જથ્થો ઝડપી લઈ ૧૧ જણની ધરપકડ કરી ૮ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધવામાં આવ્યા.
અલગ-અલગ કાર્યવાહી હેઠળ કુલ મળીને ૨૮,૮૦,૨૩૬ રૂપિયાની બેકરી પ્રોડક્ટ્સ મસાલા, તેલ, અને અન્ય પદાર્થો (૧૮,૪૫૫ કિલો) જપ્ત કરાયા હતા.
કુલ ૧૨ હોટેલ, રેસ્ટોરાં, ઢાબા પર કાર્યવાહી કરાઈ જેમાંથી ૮ને સુધારા કરવા નોટિસ આપવામાં આવી. અેકનું લાઇસન્સ રદ કરાયું.
કુલ ૨૧ જગ્યાએ રેઇડ પાડી કાર્યવાહી કરવામાં આવી.