09 September, 2025 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉરણમાં ONGCના પ્લાન્ટમાં આગ લાગી
ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ONGC)ના ઉરણ ખાતે આવેલા પ્લાન્ટમાં ગઈ કાલે બપોરે આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. આગને ONGCની ફાયર-બ્રિગેડ દ્વારા બે કલાકની જહેમત બાદ બુઝાવવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
અહીં ઑઇલ અને ગૅસનું પ્રોસેસિંગ થાય છે. પેટાળમાંથી મેળવેલા ક્રૂડ ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસને પ્રોસેસ કરીને એમાંથી સ્ટેબિલાઇઝ્ડ ક્રૂડ અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) બનાવવામાં આવે છે. આ પ્રોસેસ થતી હોવાને કારણે આગ ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે તેથી આસપાસના લોકોના જીવ પણ અધ્ધર થઈ ગયા હતા. ONGCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જૂની પાઇપલાઇનમાં સામાન્ય આગ લાગવાને કારણે દુર્ઘટના બની હતી. આ પાઇપલાઇન દૂર હોવાને લીધે વધુ નુકસાન થયું નહોતું.
CNG-PNGને અસર?
આ આગને લીધે મહાનગર ગૅસ લિમિટેડ (MGL)નો કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG)નો ગૅસનો પુરવઠો ખોરવાઈ શકે છે. અહીંથી વડાલા સુધીની પાઇપલાઇનમાં કોઈ અકસ્માત ન સર્જાય એટલે પાઇપલાઇનમાં લો પ્રેશર રાખવામાં આવ્યું છે. જ્યાં સુધી પાઇપલાઇનનું પ્રેશર સામાન્ય ન બને ત્યાં સુધી CNG પુરવઠો સામાન્ય નહીં બને. જોકે પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG)નો પુરવઠો રાબેતા મુજબ ચાલુ રહેશે એમ MGLના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.