26 July, 2023 08:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
મુંબઈ (પી.ટી.આઇ.): મહારાષ્ટ્ર સરકારે ગેરકાયદે રીતે રહેતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની રચના કરી છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૧ પહેલાં વિઝા સમાપ્ત થઈ ગયા હોય એવા વિદેશીઓને શોધવા માટે એસટીએફ કાર્યવાહી કરશે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા આ માટેનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
આદેશમાં જણાવ્યા મુજબ વિઝાની મુદત સમાપ્ત થયા બાદ પણ દેશમાં ગેરકાયદે રીતે રહેતા વિદેશી નાગરિકોની શોધખોળ માટે ઇમિગ્રેશન ચેકપોસ્ટની રચના કરવામાં આવી છે. આદેશમાં જણાવાયા પ્રમાણે ૬ સભ્યોની બનેલી ટાસ્ક ફોર્સનું નેતૃત્વ હોમ ડિપોર્ટમેન્ટના મુખ્ય સચિવ (સ્પેશ્યલ) કરશે.
સ્પેશ્યલ ટાસ્ફ ફોર્સમાં ઇન્સ્પેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા), કમિશનર, રાજ્ય ગુપ્તચર વિભાગ, પોલીસ અધિક્ષક, વિદેશી પ્રાદેશિક નોંધણી કાર્યાલય (એફઆરઆરઓ) અને નૅશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટરના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો છે.