29 April, 2026 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સરકારની મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના હેઠળ ઇલેક્ટ્રૉનિક-નો યૉર કસ્ટમર (e-KYC) કરવા માટે ૩૦ એપ્રિલની અંતિમ સમયસીમા નક્કી કરવામાં આવી છે. અગાઉ ૩ વખત મુદત વધાર્યા બાદ હવે આ છેલ્લી તક હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જો ૩૦ એપ્રિલ સુધીમાં વેરિફિકેશન પૂરું નહીં થાય તો ૨૬.૩૦ લાખથી વધુ મહિલાઓ આ યોજનાના લાભથી વંચિત રહી શકે છે.
તપાસ દરમ્યાન યોજનામાં મોટા પાયે ગેરરીતિઓ પણ સામે આવી છે. આશ્ચર્યજનક રીતે ૧૨,૭૫૭ પુરુષોએ મહિલા હોવાનો ડોળ કરીને અંદાજે ૨૩ કરોડ રૂપિયાનો લાભ લીધો હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત ૧૨,૪૧૫ સરકારી કર્મચારીઓએ પણ ગેરકાયદે રીતે લાભ મેળવ્યો છે, જેમની સામે શિસ્તભંગનાં પગલાં અને રિકવરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં કુલ ૨.૪૭ કરોડ લાભાર્થીઓ પૈકી જેમના દસ્તાવેજો અધૂરા છે તેમણે ૩૦ એપ્રિલના બૅન્કિંગ કલાકો સુધીમાં પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. ટેક્નિકલ ખામીને કારણે અયોગ્ય ઠરેલી મહિલાઓ પાસેથી નાણાં પાછાં લેવામાં આવશે નહીં, પરંતુ ૩૦ એપ્રિલ પછી તમામ અયોગ્ય ખાતાંઓ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે.