મંત્રાલયની પાણીની ટાંકીમાં બિલાડી પડી હોવાની અફવા ફેલાઈ

29 April, 2026 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા મેસેજ સંદર્ભે PWDએ ખુલાસો કર્યો કે આ વાત ખોટી છે

ફાઇલ તસવીર

મંત્રાલયની પીવાના પાણીની ટાંકીમાં બિલાડી પડીને મૃત્યુ પામી હોવાના સમાચાર સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ મહારાષ્ટ્રના પબ્લિક વર્ક્‍સ ડિપાર્ટમેન્ટ (PWD)એ મંગળવારે આ સમાચાર પાયાવિહોણા ગણાવીને એને ફગાવી દીધા છે.

PWDએ સ્પષ્ટતા કરી હતી કે ‘મંત્રાલયના બિલ્ડિંગની ટેરેસ પર આવેલી તમામ ટાંકીઓ દસથી ૧૨ ફુટ ઊંચી છે અને એ ભારે લોખંડનાં ઢાંકણાંથી હંમેશાં સુરક્ષિત રીતે બંધ રહે છે. ટેરેસ પર જવાના દરવાજા હંમેશાં લૉક હોય છે અને ત્યાં અવરજવર પર પ્રતિબંધ હોવાથી કોઈ પણ પ્રાણીનું ટાંકી સુધી પહોંચવું કે અંદર પડવું અશક્ય છે.’

ગયા વીક-એન્ડમાં મંત્રાલયની ટાંકીની સફાઈ તેમ જ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું છતાં છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે ટાંકીમાં બિલાડી પડવાને કારણે પાણી દૂષિત થયું છે. PWDએ સ્પષ્ટ કર્યું હતું કે આ મેસેજ અફવા છે અને કર્મચારીઓએ કે નાગરિકોએ એના પર વિશ્વાસ કરવો નહીં. મંત્રાલયમાં પીવાનું પાણી સંપૂર્ણપણે સુરક્ષિત છે.

mantralaya maharashtra news maharashtra mumbai mumbai news