મહારાષ્ટ્રના રાજકીય પક્ષોને એક વર્ષમાં ૪૦ કરોડ રૂપિયાનું ફન્ડ મળ્યું

25 December, 2025 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇલેક્ટરલ ટ્રસ્ટ્સ દ્વારા આપવામાં આવેલા ડોનેશન્સની વિગતો જાહેર, BJPને સૌથી વધુ ૧૭ કરોડ

પ્રતીકાત્મક તસવીર

ઇલેક્શન કમિશને જાહેર કરેલા ડેટા પ્રમાણે મહારાષ્ટ્રમાં પૉલિટિકલ પાર્ટીઝે ૨૦૨૪-’૨૫ના નાણાકીય વર્ષમાં લગભગ ૪૦ કરોડ રૂપિયાનું ડોનેશન મેળવ્યું હતું. વિવિધ કંપનીઓનાં ઇલેક્ટરલ ટ્રસ્ટ્સ તરફથી આ ડોનેશન મળ્યું હતું જેમાં તાતા ગ્રુપ, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર અને ભારત ફૉર્જ ઉપરાંત ૩૧૦ જેટલી કંપનીઓનો સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ને સૌથી વધુ ૧૭.૨ કરોડ રૂપિયાનું ફન્ડ મળ્યું હતું તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ને સૌથી ઓછું ૯૦ લાખ રૂપિયાનું જ ફન્ડ મળ્યું હતું. BJPને આ ફન્ડ ૨૮૫ કંપનીઓનું પ્રતિનિધિત્વ ધરાવતી પ્રુડન્ટ ઇલેક્ટરલ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આ જ ટ્રસ્ટે અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ને એક કરોડ રૂપિયાનું ફન્ડ આપ્યું હતું.

તાતા ગ્રુપનો સૌથી મોટો ફાળો ધરાવતા પ્રોગ્રેસિવ ઇલેક્ટરલ ટ્રસ્ટ દ્વારા એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને ૧૦ કરોડ રૂપિયાનું ડોનેશન આપવામાં આવ્યું હતું. ભારત ફૉર્જ કંપનીનો મોટો ફાળો ધરાવતા હાર્મની ઇલેક્ટરલ ટ્રસ્ટ દ્વારા શરદ પવારની NCPને બે કરોડ રૂપિયાનું અને BJPના પુણે યુનિટને ૧૫ લાખ રૂપિયાનું ડોનેશન આપવામાં આવ્યું હતું. મહિન્દ્ર કંપનીનો મોટો ફાળો ધરાવતા ન્યુ ડેમોક્રૅટિક ઇલેક્ટરલ ટ્રસ્ટ દ્વારા શિવસેના (UBT)ને પાંચ કરોડ રૂપિયાનું અને હાર્મની ટ્રસ્ટ દ્વારા ૩ કરોડ રૂપિયા ડોનેશન આપવામાં આવ્યું હતું. MNSને પાર્ટીના પોતાના જ યુનિયન અને અમુક બિલ્ડર્સ પાસેથી ડોનેશન મળ્યું હતું.

પાર્ટી    ડોનેશન
BJP    ૧૭.૨ કરોડ
શિવસેના    ૧૦ કરોડ
શિવસેના (UBT)    ૯ કરોડ
NCP (SP)    બે કરોડ
NCP    એક કરોડ
MNS    ૯૦.૯ લાખ

mumbai news mumbai election commission of india maharashtra government maharashtra news maharashtra bharatiya janata party congress nationalist congress party shiv sena political news