02 February, 2026 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે રજૂ થયેલા બજેટથી મહારાષ્ટ્રના કાંદાના ખેડૂતો નારાજ છે. કેન્દ્ર સરકારનું બજેટ ખેડૂતો સાથે ખુલ્લી છેતરપિંડી હોવાનું કહીને મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક શેતકરી સંઘટનાએ બજેટના વિરોધમાં રસ્તા પર ઊતરીને આંદોલન કરવાની તૈયારી બતાવી છે.
કાંદાના ખેડૂતોનું કહેવું છે કે કાંદાના ભાવમાં જ્યારે વધારો થાય છે ત્યારે સરકાર તરત જ કાંદાની નિકાસ પર પ્રતિબંધ, ટૅક્સ અને વિવિધ શરતો લાદીને ખેડૂતોની આવકનું ગળું દબાવી દે છે અને આજે જ્યારે કાંદાના ખેડૂતોને ખૂબ ઓછા બજારભાવ મળી રહ્યા છે, ખેડૂતો નાણાકીય કટોકટીમાં છે ત્યારે આ બજેટમાં ખેડૂતો માટે એક કોડીની પણ જોગવાઈ નથી.
જો કેન્દ્ર સરકાર કાંદાના ખેડૂતો માટે તાત્કાલિક સીધી નાણાકીય જોગવાઈ, ભાવ-ગૅરન્ટી અને નિકાસનીતિમાં સ્થિરતા નહીં આપે તો સંગઠનના ખેડૂતોએ રસ્તા પર ઊતરીને આંદોલન કરવાની ચીમકી આપી છે.