07 July, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ ઠાકરે અને પ્રવીણકુમાર
મહારાષ્ટ્ર (Maharashtra)માં ભાષાવિવાદ ચરમસીમાએ છે ત્યારે એ વચ્ચે કમાન્ડો ફોર્સના એક પૂર્વ જવાને રાજ ઠાકરેને એવો સવાલ કર્યો છે કે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ જવાને પૂછ્યું છે કે મુંબઈ પર જ્યારે આતંકવાદી હુમલા થયા ત્યારે તમારા યોદ્ધાઓ ક્યાં ગયા હતા?
રાજ ઠાકરેને આવો સણસણતો સવાલ કરનાર આ વ્યક્તિની ઓળખ પ્રવીણ કુમાર તેવતિયા તરીકે થઈ છે. 26/11ના મુંબઈ હુમલામાં અનેક માસૂમ અને નિર્દોષ લોકોના પ્રાણની આહુતિ અપાઈ હતી. આવા સમયે આ જ કમાન્ડોએ તાજ હોટલમાં 150 લોકોને બચાવવાની મહત્વની કામગીરી કરી હતી.
કમાન્ડો ફોર્સના આ પૂર્વ જવાને આવો સવાલ કરીને રાજ ઠાકરેને એમ પણ કહ્યું કે હું યુપીનો રહેવાસી છું. મેં મહારાષ્ટ્ર માટે મારું લોહી વહેવડાવ્યું છે. ભાષાના નામે દેશનું વિભાજન ન કરો.
પ્રવીણ કુમારે પોતાની પોસ્ટમાં શું શું જણાવ્યું છે?
Maharashtra: હાલમાં જ પ્રવીણ કુમાર તેવતિયાએ પોસ્ટ શૅર કરી છે. જેમાં તેણે લખાણની સાથે એક ફોટો મૂક્યો છે. જે ફોટોમાં તેણે મરીન કમાન્ડો ફોર્સ (માર્કોસ)માં સેવા આપી હતી તે દર્શાવે છે. તેમાં તેણે યુનિફોર્મ પહેર્યો છે અને સ્માઇલ આપી રહ્યો છે. તેના બુલેટપ્રૂફ જેકેટ પર યુપી લખેલું છે અને તેના ગળામાં બંદૂક પણ જોવા મળે છે. તેણે લખાણમાં લખ્યું છે કે, "મેં 26/11ના હુમલામાં મુંબઈને બચાવ્યું હતું. હું યુપીનો છું અને મેં મહારાષ્ટ્ર માટે લોહી વહેવડાવ્યું છે. મેં તાજ હોટેલને બચાવી. તે સમયે રાજ ઠાકરેના આ કહેવાતા યોદ્ધાઓ ક્યાં હતા? મહેરબાની કરીને દેશનું વિભાજન ન કરો. સ્મિતને કોઈ ભાષા હોતી નથી."
મુંબઈમાં ટેરર ઍટેક થયો ત્યારે પ્રવીણકુમાર આ ભૂમિકામાં હતા
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવીણ કુમારે મુંબઈ (Maharashtra)માં જ્યારે આતંકવાદી હુમલો થયો હતો ત્યારે તેમની ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ સમય દરમિયાન તેમની ટીમ તાજ હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરીમાં લાગી હતી. રેસ્ક્યૂ ઑપરેશન દરમિયાન આ કમાન્ડો જવાનને ભારે ઇજાઓ પણ થઈ હતી. તેના પર ચાર ગોળીઓ પણ ચલાવવામાં આવી હતી. પરંતુ પોતાની ગજબ નેતૃત્વશક્તિ અને ત્વરિત કામગીરીથી ઓછા 150 લોકોના જીવ બચી શક્યા હતા.
લોકોએ પણ કમેન્ટ્સ આપી છે
Maharashtra: પ્રવીણકુમારની આ પોસ્ટ વાંચીને અનેક લોકોએ પોતાનો અભિપ્રાય કમેન્ટ સેકશનમાં મૂક્યો છે. એક જણ લખે છે કે- "રાજકારણીઓ સાવ નીચલી જાતિના છે. તેમના માટે રાષ્ટ્રવાદ જ શ્રેષ્ઠ છે. તેઓ બધાના જીવન અને ભવિષ્ય સાથે રમી રહ્યા છે. ખરેખર દુઃખની વાત છે કે આપણો દેશ અને મહારાષ્ટ્ર ગરીબ નેતાઓની આગેવાનીમાં હારી રહ્યું છે.”