વિધાનસભ્યોની ફ્લાઇટ્સ કૅન્સલ થઈ, મૉન્સૂન સેશન પણ મોકૂફ રખાયું

07 July, 2026 08:56 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના પ્રધાનો અને વિધાનસભ્યો પણ નાગપુરમાં અટવાઈ ગયા હતા

દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાના સત્રમાં લોકોને સાવચેત રહેવાની સૂચના આપી હતી.

ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના પ્રધાનો અને વિધાનસભ્યો પણ નાગપુરમાં અટવાઈ ગયા હતા. રાજ્યના મહેસૂલપ્રધાન ચંદ્રશેખર બાવનકુળે અને અન્ય વિધાનસભ્યો સોમવારે મુંબઈમાં વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે નાગપુરથી મુંબઈ ફ્લાઇટથી આવવાના હતા. જોકે તેમની ફ્લાઇટ પણ ખરાબ હવામાનના કારણે રદ કરી દેવાઈ હતી જેના કારણે તેમણે તેમનો પ્રવાસ રદ કરવો પડ્યો હતો. તેમના સિવાય અન્ય વિધાનસભ્યોએ પણ ફ્લાઇટ્સ કૅન્સલ થઈ હોવાના કારણે તેમનો પ્રવાસ કૅન્સલ કરવો પડ્યો હતો. નાગપુરથી મુંબઈ આવનારી ફ્લાઇટ પણ ડાઇવર્ટ કરવામાં આવી હોવાથી અનેક વિધાનસભ્યો ચોમાસુ સત્રમાં પહોંચી શક્યા નહોતા. ઉલ્લેખનીય છે કે વિધાનસભા અને વિધાન પરિષદનું બન્ને સત્ર મુંબઈમાં ભારે વરસાદ અને પવનના કારણે થોડા જ સમય બાદ મોકૂફ રાખવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP)ના  વિધાનસભ્ય સમીર મેઘે, પ્રવીણ ડટકે અને કૉન્ગ્રેસના વિધાનસભ્ય વિકાસ ઠાકરેને પણ આ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. 

વિધાનસભાનું સત્ર મોકૂફ રખાયું ઃ ચોમાસા દરમ્યાન ૧૩ લોકોનાં મૃત્યુની માહિતી
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સોમવારે વિધાનસભાનું સત્ર મોકૂફ રાખવામાં આવ્યું હતું. રાજ્યના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ મિનિસ્ટર ગિરીશ મહાજને સત્ર દરમ્યાન જણાવ્યું હતું કે મુંબઈ અને રાયગડ ક્ષેત્રમાં રેકૉર્ડ વરસાદ નોંધાયો છે અને છેલ્લા ત્રણથી ચાર દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ ૧૩ લોકોનાં મૃત્યુ થયાં છે. હજી બે દિવસ રેડ અલર્ટ હોવાથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાનું પણ તેમણે સત્ર દરમ્યાન જણાવ્યું હતું.

કામ વગર ઘરની બહાર ન નીકળવાની મુખ્ય પ્રધાનની અપીલ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ અને આખા મહારાષ્ટ્રમાં વરસાદના વધેલા જોરને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. કામ વગર ઘરની બહાર ન નીકળવાનો અનુરોધ કર્યો હતો.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra nagpur devendra fadnavis