07 July, 2025 07:42 AM IST | Latur | Gujarati Mid-day Correspondent
ખેતરમાં બળદની જગ્યાએ પોતે જોતરાઈને ખેતર ખેડતાં અંબાદાસ પવાર અને તેમનાં પત્નીનો વિડિયો વાઇરલ થયા પછી તેમને મદદ મળવા લાગી છે.
દેવાના બોજ તળે દબાયેલા લાતુર જિલ્લાના ખેડૂત દંપતીનો વિડિયો વાઇરલ થયા બાદ તેની તકલીફ ઓછી થઈ છે. તાજેતરમાં ક્રાન્તિકારી શેતકરી સંઘટના દ્વારા તેમને બે બળદ આપવામાં આવ્યા હતા અને હવે રાજ્યના સહકારપ્રધાન બાબાસાહેબ પાટીલે ખેડૂતની બાકી લોન ભરી દીધી છે.
આ દંપતી પાસે ટ્રૅક્ટર ખરીદવાના કે બળદ જોડવાના પૈસા નહોતા એટલે તેઓ પોતે જ હળ ખેંચીને ખેતર ખેડી રહ્યાં હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. રોજ ટ્રૅક્ટર ભાડે લેવાના ૨૫૦૦ રૂપિયા થતાં હોવાને કારણે ખેડૂતે જાતે જ હળ ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ ખેડૂતના માથે લોનનું દેવું પણ હતું. અહમદપુર તાલુકાના હડોળતિ ગામના ખેડૂત અંબાદાસ પવારે હડોળતિ મલ્ટિ-પર્પઝ કો-ઑપરેટિવ સોસાયટી પાસેથી ૪૨,૫૦૦ રૂપિયાની લોન લીધી હતી. ખેડૂતની પરિસ્થિતિ જોતાં રાજ્યના સહકારપ્રધાન બાબાસાહેબ પાટીલે તેની લોન ભરી દીધી છે. શનિવારે તેઓ ખેડૂતને મળવા તેના ગામમાં ગયા હતા. ત્યાં તેમણે હડોળતિ મલ્ટિ-પર્પઝ કો-ઑપરેટિવ સોસાયટીના અધિકારીઓને ૪૨,૫૦૦ રૂપિયા આપીને અંબાદાસને લોન ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવા જણાવ્યું હતું. સરકાર ખેડૂતોની પરિસ્થિતિ સુધારવા માટે કટિબદ્ધ છે એવું તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું.