13 December, 2025 11:42 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પુણેના ઍરપોર્ટ વિસ્તારમાં ફરતા દીપડાને ઝડપી લેવા અલગ-અલગ એજન્સીઓએ સંયુક્ત ઑપરેશન કર્યું હતું.
પુણેના ઍરપોર્ટ વિસ્તારમાં એપ્રિલ મહિનાથી ફરતા રહેતા નર દીપડાને ઝડપી લેવામાં આખરે ગઈ કાલે સફળતા મળી છે. ગઈ કાલે વહેલી સવારથી એ ઑપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રેસ્ક્યુ ચૅરિટેબલ ટ્રસ્ટ, ઇન્ડિયન ઍરફોર્સ અને પુણે ઍરપોર્ટ ઑથોરિટીના કુલ ૩૦ જણની ટીમને ૮૦ ફુટ લાંબી ટનલમાંથી દીપડાને ૮ કલાકની જહેમત બાદ પકડવામાં સફળતા મળી હતી.
દીપડા વિશે માહિતી આપતાં ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના ડૉ. ગૌરવ મંગલાએ કહ્યું હતું કે ‘સૌથી પહેલાં એ દીપડો ૨૮ એપ્રિલે ઍરપોર્ટ વિસ્તારમાં જોવા મળ્યો હતો. એ પછી ફરી ૧૯ નવેમ્બરે જોવા મળ્યો હતો. દીપડો ઍરપોર્ટ વિસ્તારમાં આવવા–જવા ઝાડી-ઝાંખરાં અને લોકોની અવરજવર જ્યાં બહુ જ ઓછી રહેતી એવી જગ્યાએ આવેલી અન્ડરગ્રાઉન્ડ ટનલનો ઉપયોગ કરતો હતો.’
ઍરપોર્ટનો વિસ્તાર બહુ જ મોટો હોવાથી દીપડાને પકડવો એ ચૅલેન્જિંગ કામ હતું. દીપડાને પકડવા છટકાં ગોઠવવામાં આવ્યાં હતાં અને એના પર નજર રાખવા CCTV કૅમેરા પણ ગોઠવવામાં આવ્યા હતા. દીપડો એમ છતાં છટકામાં સપડાઈ નહોતો રહ્યો.
આ વિશે વધુ માહિતી આપતાં ડૉ. ગૌરવ મંગલાએ કહ્યું હતું કે ‘૪ ડિસેમ્બરે એવી જાણ થઈ કે દીપડો અન્ડરગ્રાઉન્ડ ટનલમાં એન્ટર થયો છે. એથી ટનલના છેડા બંધ કરી દેવાયા હતા. એ પછી એની મૂવમેન્ટ પર નજર રાખવા એ ટનલમાં પણ CCTV કૅમેરા ગોઠવવામાં આવ્યા હતા. એ પછી ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રેસ્ક્યુ ચૅરિટેબલ ટ્રસ્ટ, ઇન્ડિયન ઍરફોર્સ અને પુણે ઍરપોર્ટ ઑથોરિટીના કુલ ૩૦ જણની ટીમે ભારે જહેમત બાદ ૮૦ ફુટ લાંબી ટનલમાંથી દીપડાને પકડવાની કોશિશ કરી હતી. દીપડાએ ટનલની અંદર જે બે લાઇવ કૅમેરા મૂક્યા હતા એ પણ તોડી નાખ્યા હતા. ત્યાર બાદ બહુ જ વિચારીને પ્લાન નક્કી કરવામાં આવ્યો અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ પોઝિશન લીધી હતી. બહુ જ ધીરજ અને શાંતિ રાખીને ઑપરેશન પાર પાડવાનું હતું. એ પછી દીપડો નજરે ચડતાં એને બેહોશીનાં ઇન્જેક્શન મારવામાં આવ્યાં હતાં. એ બેહોશ થતાં એને સુરક્ષિત રીતે ટનલમાંથી કાઢીને બાવધનના ટ્રાન્ઝિટ કૅમ્પમાં રાખવામાં આવ્યો છે. દીપડાને પકડવાના આ ઑપરેશન દરમ્યાન કોઈને ઈજા થઈ નહોતી અને બીજી બાજુ ઍરપોર્ટનું કામ પણ રાબેતા મુજબ જ ચાલી રહ્યું હતું.’