સરકારની કે સરકારના નિર્ણયોની ટીકા કરી તો લેવાશે શિસ્તભંગનાં પગલાં

30 July, 2025 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યના તમામ સરકારી અધિકારીઓ માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવા માટે નવી ગાઇડલાઇન જાહેર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

સરકારી અધિકારીઓ કોઈ પણ પ્રકારના પબ્લિક પ્લૅટફૉર્મ પર મહારાષ્ટ્ર સરકાર કે દેશની અન્ય કોઈ પણ સરકારની કે સરકારના નિર્ણયોની ટીકા કરી શકશે નહીં. રાજ્ય સરકારે તમામ સરકારી અધિકારીઓ માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવા માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે જેમાં દર્શાવેલા નિયમોના ઉલ્લંઘન બદલ શિસ્તભંગનાં પગલાં લેવાશે.

સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ કમ્યુનિકેશનને સરળ બનાવવા માટે હોય છે, પણ અમુક વાર આવાં પ્લૅટફૉર્મ્સ પરથી ગોપનીય માહિતી કે ખોટા માર્ગે દોરે એવી માહિતી પ્રસરાવવામાં આવે છે. એના પર રોક લગાવવી અતિ આવશ્યક બની ગઈ હતી. એથી સરકારે સોશ્યલ મીડિયાના ઉપયોગ માટે નવી ગાઇડલાઇન્સ બહાર પાડી છે, જે મુજબ મહત્ત્વના દસ્તાવેજો પરવાનગી વગર કોઈ પણ પ્લૅટફૉર્મ પર શૅર કે અપલોડ કરી શકાશે નહીં. ઇન્ટર્નલ કો-ઑર્ડિનેશન માટે અધિકારીઓ વૉટ્સઍપ અને ટેલિગ્રામનો ઉપયોગ કરી શકશે. એ સિવાય કૉન્ટ્રૅક્ટ પર કામ કરતા અધિકારીઓએ પણ સોશ્યલ મીડિયાનો ઉપયોગ સભાનતા અને જવાબદારીથી કરવાનો રહેશે તેમ જ ઑફિસના કામને લગતાં અને વ્યક્તિગત અકાઉન્ટ જુદાં-જુદાં રાખવાનાં રહેશે એમ રાજ્ય સરકારે ગાઇડલાઇન્સમાં જણાવ્યું હતું.

રાજ્યના જનરલ ઍડ્‍મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરી છે કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સરકારની યોજનાઓ અને પ્રકલ્પો વિશે સોશ્યલ મીડિયા પર માહિતી આપી શકે છે, પરંતુ આ માહિતી ચોક્કસ યોજનાના સંદર્ભમાં જ હોવી જોઈએ, જેમાં અધિકારી પોતાનાં વખાણ કે પ્રચાર કરતી માહિતી ન આપી શકે. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોમાં સરકારી લોગો, યુનિફૉર્મ, ઑફિશ્યલ વાહનો અને બિલ્ડિંગ દેખાવા પર પણ પ્રતિબંધ રહેશે. માત્ર ઑફિશ્યલ અકાઉન્ટના પ્રોફાઇલ પિક્ચરમાં જ આ સામગ્રીનો ઉપયોગ થઈ શકશે.

social media maharashtra maharashtra news news mumbai mumbai news