11 April, 2026 12:53 PM IST | Nashik | Gujarati Mid-day Correspondent
આરોપીઓને ગઈ કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
નાશિકની એક મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરતી યુવતીઓનું જાતીય શોષણ તો કરવામાં આવતું જ હતું, પણ મુસ્લિમ યુવાનો તેમને ટાર્ગેટ કરીને વ્યવસ્થિતપણે એક પછી એક યોજનાપૂર્વકનાં પગલાં લઈને ધર્માંતરણ કરાવતા હતા. એ માટે એ કંપનીના યુવાનોનું વૉટ્સઍપ-ગ્રુપ પણ હતું જેના પર હવે પછી કઈ યુવતીને ટાર્ગેટ કરવાની છે, કેવી રીતે ટાર્ગેટ કરવાની છે એની વ્યવસ્થિત ચર્ચાઓ થતી હતી એમ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં કુલ ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને એક મહિલા આરોપીની શોધ ચાલી રહી છે. આરોપીઓને ગઈ કાલે બે દિવસની પોલીસ-કસ્ટડી પૂરી થતાં ફરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. એક આરોપીને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી અપાયો છે.
એક યુવતીએ યુવાનો દ્વારા થતી કનડગતને લઈને એ બાબતે પહેલાં કંપનીના હ્યુમન રિસોર્સિસ (HR) ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી હતી, પણ તેમણે ગંભીરતા ન દાખવી અને ઍક્શન ન લીધી એટલે તે યુવતીએ આખરે ડેપ્યુટી પોલીસ-કમિશનરનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી. એ પછી કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. ૭ મહિલા પોલીસે એ કંપનીમાં નોકરી લઈને ૮ દિવસ સુધી ત્યાં કર્મચારી બનીને કામ કર્યું હતું. એ વખતે તે યુવાનો દ્વારા કઈ રીતે યુવતીઓને દબાણ કરવામાં આવે છે અને કઈ રીતે તેમનું શોષણ થાય છે એના ટેક્નિકલ પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કંપનીના ૪૦ CCTV કૅમેરાનાં ફુટેજ અને પ્રત્યક્ષ સાક્ષી (મહિલા પોલીસ)ના સાથ સાથે આ સંદર્ભે નાશિકના મુંબઈનાકા પોલીસ-સ્ટેશનમાં કુલ ૯ કેસ નોંધવામાં આવ્યા હતા.
તપાસ મુજબ યુવતીઓને ફસાવવા પ્રૉપર પ્લાન કરવામાં આવતો અને એ મુજબ પગલાં લેવાતાં હતાં. યુવતીને ફસાવનાર યુવક પોતાને સિંગલ (અપરિણીત) દર્શાવતો અને યુવતીનાં કામનાં હંમેશાં વખાણ કરતો તથા તેની સાથે મીઠી-મીઠી વાતો કરીને ફ્લર્ટ કરતો. જમવાના બહાને બહાર ફરવા લઈ જવાની, જોઈએ ત્યાં બદલી કરાવી આપવાની તથા જોઈએ એટલી રજા અપાવવાની ઑફર થતી. તેમના આ ગ્રુપમાં યુવકો જ નહીં, યુવતીઓ પણ હોવાનું જાણવા મળ્યું હતું. જે યુવતીઓ તેમની જાળમાં ન ફસાય તેમને એ પછી માનસિક ત્રાસ આપવામાં આવતો અને તે યુવતીઓ આખરે નોકરી છોડી દેતી. નાશિક પોલીસે આ સંદર્ભે ૯ ગુના દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.