03 August, 2026 07:39 AM IST | Mumbai | Vinod Kumar Menon
પ્રતીકાત્મક તસવીર
૧૮ જૂનથી અમલમાં આવેલા મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ (અમેન્ડમેન્ટ) રૂલ્સ, ૨૦૨૬ના અમલીકરણ બાદ હવે સમગ્ર મહારાષ્ટ્રની કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીઓએ એમની વ્યાજની વસૂલાત કરવાની પદ્ધતિઓની ફરી સમીક્ષા કરવી પડશે.
નવા નિયમમાં મુખ્ય ફેરફાર એ છે કે મેઇન્ટેનન્સ અને સોસાયટીનાં અન્ય બાકી લેણાંની મોડી ચુકવણી પર મહત્તમ વ્યાજદર વાર્ષિક ૨૧ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરી દેવાયો છે. અગાઉની સાધારણ સભાના ઠરાવોના આધારે વધુ વ્યાજદર વસૂલ કરવાનું ચાલુ રાખનારી સોસાયટીઓને લીગલ ઑબ્જેક્શનનો સામનો પણ કરવો પડી શકે છે. લીગલ એક્સપર્ટ્સના મત મુજબ મૅનેજિંગ કમિટીઓને ભવિષ્યના વિવાદો અને કાયદાના પાલનને લગતા પ્રશ્નોથી બચવા માટે એમના હાલના ઠરાવો, બિલિંગ પ્રૅક્ટિસ અને રિકવરી પ્રોસીજરની તાત્કાલિક સમીક્ષા કરવાની અને સુધારેલી જોગવાઈઓ તાત્કાલિક લાગુ કરવાની સલાહ આપવામાં આવી છે.
એમના હાલના ઠરાવો સુધારેલા નિયમો સાથે સુસંગત રહે છે
ઍડ્વોકેટ શ્રીપ્રસાદ પરબે એવી પણ સલાહ આપી છે કે મૅનેજિંગ કમિટીઓએ તેમના હાલના ઠરાવો, અકાઉન્ટિંગ પદ્ધતિઓ અને વસૂલાત પ્રક્રિયાઓની સમીક્ષા કરીને તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાં પડશે. તેમના મંતવ્ય મુજબ નવા નિયમોનું પાલન કરવાથી સોસાયટીઓને ભવિષ્યમાં વિવાદો ટાળવામાં મદદ મળશે.
અગાઉનો નિયમ
વર્ષ ૨૦૨૬ના સુધારા પહેલાં મોડલ બાય-લૉ-નંબર ૭૦ (૨૦૧૪)એ સોસાયટીઓને માત્ર સાદું વ્યાજ વસૂલી શકે, વાર્ષિક ૨૧ ટકા સુધીનું જ વ્યાજ વસૂલી શકે અને સાધારણ સભા દ્વારા મંજૂર કરવામાં આવે તો વ્યાજનો દર ઓછો કરી શકે એવી જોગવાઈ હતી. આ જોગવાઈના આધારે કેટલીક સોસાયટીઓએ પેમેન્ટમાં વિલંબ થાય તો ૧૮ ટકાથી ૨૧ ટકા વચ્ચે વ્યાજ વસૂલ કરતી હતી. જોકે તેઓ ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલી શકતા નહોતા.
એક્સપર્ટ શું કહે છે?
મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ હાઉસિંગ ઍન્ડ અપાર્ટમેન્ટ ફેડરેશન લિમિટેડના એક્સપર્ટ ડિરેક્ટર ઍડ્વોકેટ શ્રીપ્રસાદ પરબે કહ્યું હતું કે ‘સુધારેલા નિયમો સોસાયટીઓને એમની વ્યાજ વસૂલ કરવાની પદ્ધતિઓને અત્યારની કાનૂની જોગવાઈઓ સાથે સુસંગત બનાવશે. વિવાદો અને વસૂલાતની જટિલતાઓથી બચવા માટે સુધારેલા કાનૂની માળખાના સંદર્ભમાં નવા ઠરાવોની સમીક્ષા કરવી આવશ્યક બની છે.’
સોસાયટીઓએ હવે શું કરવું જોઈએ?
• અત્યારે ૧૨ ટકાથી વધુ વ્યાજ વસૂલ કરતી સોસાયટીઓએ સ્પેશ્યલ જનરલ મીટિંગ (SGM) બોલાવવી જોઈએ.
• એમાં વ્યાજદરના સુધારા માટે ચોક્કસ એજન્ડાનો સમાવેશ કરવો જોઈએ અને વાર્ષિક ૧૨ ટકા અથવા એથી ઓછું સાદું વ્યાજ મંજૂર કરતો નવો ઠરાવ પસાર કરવો જોઈએ.
• ઓછું વ્યાજ વસૂલ કરતી સોસાયટીઓના સંદર્ભમાં નવી
ખાસ સાધારણ સભા બોલાવવાની જરૂર નથી.