રાજ્ય સરકાર પ્રાઇવેટ સ્કૂલોમાં ફી ન ભરવાના મુદ્દાને ઉકેલવા માટે પૅનલ રચશે

24 March, 2023 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિક્ષણપ્રધાને પ્રશ્નકાળમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પર પ્રતિકૂળ અસર ન થાય એ માટે માર્ગદર્શિકા ઘડવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મહારાષ્ટ્રના પ્રધાન દીપક કેસરકરે ગુરુવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યની કેટલીક ખાનગી શાળાઓમાં ફી ન ભરવાને કારણે ઉદ્ભવતા પ્રશ્નોના ઉકેલ માટે એક સમિતિની રચના કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. શિક્ષણપ્રધાને પ્રશ્નકાળમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પર પ્રતિકૂળ અસર ન થાય એ માટે માર્ગદર્શિકા ઘડવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ‘સેલ્ફ-ફાઇનૅન્સ્ડ સ્કૂલો માટે ફીની ચુકવણી ફરજિયાત છે. માતા-પિતા પાસે પસંદગી છે કે તેઓ તેમનાં બાળકોને કઈ શાળામાં મોકલે.’

પૂરક પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘ખાનગી શૈક્ષણિક સંસ્થાઓની ફીનું નિયમન સરકારના હાથમાં નથી. ત્યાં આપવામાં આવતી સુવિધાઓ પ્રમાણે ફી લેવામાં આવે છે.’

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના વિધાનસભ્ય રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે સેલ્ફ-ફાઇનૅન્સ્ડ સ્કૂલોમાં ૨૫ ટકા સીટ શિક્ષણના અધિકાર કાયદા હેઠળ અનામત છે એટલે સરકારે શાળાઓને વળતર આપવું જોઈએ.

દીપક કેસરકરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૮૭૫ કરોડની ભરપાઈ કરવામાં આવી છે, જેમાંથી ગયા વર્ષ સુધીમાં કેન્દ્ર તરફથી ૪૨૫ કરોડ મળ્યા હતા. પુણેના વાઘોલી ખાતે લૅક્સિકોન ઇન્ટરનૅશનલ સ્કૂલના ૨૦૦ વિદ્યાર્થીઓને ફી ન ભરવા બદલ શાળામાં અટકાવવામાં આવ્યા હતા એ પ્રશ્નનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આ ઘટના આ વર્ષે ૧૮ જાન્યુઆરીએ બની હતી.

શાળાના સંચાલકો અને વાલીઓ વચ્ચે દલીલો થઈ હતી, પરંતુ લોનીકંદ પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરાયેલી તપાસમાં કોઈ વાલીઓ સામેલ ન થયા. આથી પોલીસે કેસ બંધ કરી દીધો હતો એમ તેમણે ઉમેર્યું હતું.

mumbai mumbai news maharashtra maharashtra navnirman sena