એજ્યુકેશન ​ડિપાર્ટમેન્ટે ગેરકાયદે ચાલતી સ્કૂલો સામે કરી લાલ આંખ

28 April, 2023 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂરી ન કરે તો ૩૦ એપ્રિલથી આવી સ્કૂલો બંધ કરાવવાનો, એ પછી દંડાત્મક કાર્યવાહી કરવાનો અને એમ છતાં જો એ સ્કૂલો ચાલુ રહે તો પોલીસમાં એફઆઇઆર કરવાનો આદેશ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

રાજ્યમાં ચાલી રહેલી ૬૭૪ ગેરકાયદે સ્કૂલોમાંથી ૨૩૯ મુંબઈની છે. એમની સામે હવે રાજ્યના એજ્યુકેશન ​ડિપાર્ટમેન્ટે લાલ આંખ કરી છે. એટલું જ નહીં, અધિકારીઓને આવી સ્કૂલો સામે પગલાં લઈને જો તેઓ રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂરી ન કરે તો ૩૦ એપ્રિલથી એ સ્કૂલો બંધ કરાવવાનો, એ પછી દંડાત્મક કાર્યવાહી કરવાનો અને એમ છતાં પણ જો એ સ્કૂલો ચાલુ રહે તો એમની સામે પોલીસમાં એફઆઇઆર કરવાનો સ્પષ્ટ આદેશ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવ્યો છે. જો સ્કૂલ બંધ કરવાની થાય તો ત્યાંના વિદ્યાર્થીઓને નજીકની સરકારમાન્ય રજિસ્ટર્ડ સ્કૂલમાં સમાવી લેવાનો પણ આદેશ અપાયો છે. એમાં માત્ર સ્ટેટ બોર્ડની સ્કૂલો જ નહીં, અન્ય બોર્ડની સ્કૂલોનો પણ સમાવેશ થાય છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડિરેક્ટર સંદીપ સાંગવેએ આ સંદર્ભે સર્ક્યુલર કાઢી અધિકારીઓને આ બાબતે પગલાં લઈને એનો અહેવાલ આજે આપવા જણાવ્યું છે.

આ સ્કૂલોએ એમનું રજિસ્ટ્રેશન રિન્યુ કરાવ્યું નથી. રાઇટ ટુ એજ્યુકેશન ઍક્ટ હેઠળ પહેલાથી આઠમા ધોરણની સ્કૂલોએ દર ત્રણ વર્ષે રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવાનું હોય છે. મજાની વાત એ છે કે એ લિસ્ટમાંની મોટા ભાગની સ્કૂલો આ પહેલાં પણ આ કારણોસર ડિફૉલ્ટરના લિસ્ટમાં આવી છે. એમ છતાં એમના દ્વારા રજિસ્ટ્રેશન રિન્યુ નથી કરાવાયું. સંદીપ સાંગવેએ એ પણ ચોખવટ કરી હતી કે જો કોઈ અધિકારી સ્કૂલ સામે પગલાં લેવામાં ઊણો ઊતરશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. જો સ્કૂલો દ્વારા રજિસ્ટ્રેશન રિન્યુ કરવાની કાર્યવાહી નહીં કરાય તો એમને એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. એ પછી પણ જો એ બાબતે બેદરકારી બતાવવામાં આવશે તો રોજનો ૧૦,૦૦૦ રૂપિયા ફાઇન થશે. 

mumbai mumbai news maharashtra Education