રિક્ષા અને ટૅક્સીના ડ્રાઇવરોને ૧૫ ઑગસ્ટ સુધી નહીં થાય મરાઠી દંડ

29 April, 2026 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧ મેથી ૧૫ ઑગસ્ટ દરમ્યાન ઝુંબેશ ચાલુ જ રહેશે, જેમાં મરાઠી શીખવવામાં આવશે

ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં પ્રતાપ સરનાઈક

રાજ્ય સરકારે રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો માટે ફરજિયાત મરાઠીનો નિર્ણય ૧ મેથી ૧૫ ઑગસ્ટ સુધી લંબાવ્યો છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે મંગળવારે મુંબઈમાં આયોજિત એક પત્રકાર-પરિષદમાં ફરી એક વાર બિનમરાઠી રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘જો તમે મુસાફરો દ્વારા બોલાતી મરાઠી સમજી શકતા નથી અથવા બોલી શકતા નથી તો તમને મહારાષ્ટ્રમાં ધંધો કરવાનો કોઈ અધિકાર નથી. એ સમયે તેમણે જાહેરાત કરી હતી કે મીરા-ભાઈંદરમાં હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં મરાઠી ન બોલી શકતા ૫૬૨ રિક્ષા-ડ્રાઇવરોને મળી આવ્યા હતા. તેમને નોટિસ ફટકારવામાં આવશે. તેમને ૧ મેથી ૧૫ ઑગસ્ટ સુધી ચાલનારી ઝુંબેશમાં મરાઠી શીખવવામાં આવશે. રાજ્યભરની તમામ ૫૯ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ને નિર્દેશ આપવામાં આવ્યા છે. અમે ૧ મેથી શરૂ થતી ઝુંબેશ હેઠળ જો રિક્ષા કે ટૅક્સીઓ ખોટી રીતે ચલાવવામાં આવે છે અથવા જો ડ્રાઇવરો ગેરકાયદે રીતે મુસાફરોને હેરાન કરતા હશે તો અમને સંબંધિત કાયદા હેઠળ તેમનાં લાઇસન્સ રદ કરવાનો અધિકાર છે. જોકે અત્યારે મરાઠી ભાષાની જરૂરિયાત વિશે ખાસ દંડાત્મક કાર્યવાહી નહીં થાય. ૧ મેથી ૧૫ ઑગસ્ટ દરમ્યાન રાજ્યભરની તમામ RTO દ્વારા સમિતિની સ્થાપના કરવામાં આવશે.’

મરાઠી શીખવાની ઇચ્છા દર્શાવનારાં યુનિયનો સંદર્ભે RTOને તેમને જરૂરી સુવિધા અને જગ્યા પૂરી પાડવાની સૂચના આપવામાં આવી છે. પરિવહન વિભાગ ખાસ કરીને બિનમરાઠીભાષી ડ્રાઇવરોને મરાઠી શીખવવા માટે ૧૦૦ દિવસનું અભિયાન શરૂ કરશે. વિભાગ પોતે આ ડ્રાઇવરોને ભાષામાં સૂચના આપવાનું કાર્ય કરશે. આવતી કાલે કૅબિનેટની બેઠક દરમ્યાન રિક્ષા-ડ્રાઇવરોને બેઝિક મરાઠી શીખવવા માટે એક પુસ્તિકા બહાર પાડવામાં આવશે. પ્રતાપ સરનાઈકે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ મૂળભૂત મરાઠી પણ બોલી શકતો નથી તો તેને મહારાષ્ટ્રમાં ધંધો કરવાનો કોઈ અધિકાર નથી.

રિક્ષા–ટૅક્સીના ડ્રાઇવરોને ૧૦૦ દિવસનો સમય અપાયો, યુનિયનોએ હડતાળ પાછી ખેંચી લીધી

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે સોમવારે મંત્રાલયમાં વિવિધ રિક્ષા-ટૅક્સી યુનિયનના પદાધિકારીઓ સાથે કરેલી બેઠકમાં હાલમાં ૧ મેથી કડક કાર્યવાહી ન કરતાં તેમને મરાઠી શીખવાનો સમય આપવામાં આવે એવી રજૂઆત થતાં એ માટે મુદત પાડીને ૧૫ ઑગસ્ટ સુધીનો સમય લંબાવી આપ્યો છે.  

એની સામે રિક્ષા યુનિયનોએ પણ મરાઠી ફરજિયાતના વિરોધમાં ૪ મેએ જે હડતાળનું એલાન કર્યું હતું એ પાછું ખેંચી લીધું છે. રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)માં મરાઠી શીખવાડવા માટે જગ્યા ફાળવવામાં આવે એવી સૂચના પ્રતાપ સરનાઈકે અધિકારીઓને આપી છે.

પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘મુંબઈ મરાઠી સાહિત્ય સંઘ દ્વારા મરાઠી શીખવાડીને એ માટે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. લાઇસન્સ રિન્યુ કરતી વખતે અને પરમિટ રિન્યુ કરતી વખતે એ સર્ટિફિકેટ સાથે જોડવું પડશે એટલું જ નહીં ઓલા, ઉબર અને રૅપિડોના ડ્રાઇવરોએ પણ મરાઠી ભાષા ફરજિયાત બોલવાની જોગવાઈ છે એ બાબતે તેમને સૂચના આપવામાં આવશે.’ 

mumbai auto rickshaw and taxi pratap sarnaik maharashtra government maharashtra news maharashtra regional transport office mumbai mumbai news