19 February, 2025 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુળગાવ-બદલાપુર નગરપાલિકાના મુખ્યાલય પરિસરમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઘોડા પર બેસેલા છત્રપતિ શિવાજી મહારાજના પૂતળાનું અનાવરણ કર્યું હતું. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજે સમાજના દરેક વર્ગને સાથે લઈને દેવ, દેશ અને ધર્મ માટે લડત કરી હતી. આજે સ્વદેશ, સ્વધર્મ, સ્વભાષા માત્ર છત્રપતિ શિવાજી મહારાજના પ્રતાપે જીવંત છે. આથી આ ફક્ત એક પૂતળું નથી, પ્રેરણાસ્થાન છે જે બદલાપુરના લોકોને કાયમ પ્રેરણા આપતું રહેશે.’
હિન્દવી સ્વરાજના સ્થાપક શિવાજી મહારાજ બાદ બીજા છત્રપતિ બનનારા તેમના પુત્ર સંભાજી મહારાજના જીવન પર આધારિત બૉલીવુડની ફિલ્મ ‘છાવા’ ધૂમ મચાવી રહી છે ત્યારે વિકીપીડિયામાં છત્રપતિ સંભાજી મહારાજ વિશે અત્યંત વાંધાજનક માહિતી હોવાની જાણ થવાથી શિવભક્તોમાં નારાજગી અને ભારે આક્રોશ જોવા મળી રહ્યાં છે. ઇતિહાસકારો અને શિવપ્રેમીઓએ આ લખાણ હટાવવાની માગણી કરી છે. આથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે રાજ્યના સાઇબર પોલીસવડાને આ સંબંધે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘વિકીપીડિયામાં અંગ્રેજી ભાષામાં છત્રપતિ સંભાજી મહારાજ વિશે વાંધાજનક માહિતી આપવામાં આવી છે. આ બાબતે વિકીપીડિયાનો સંપર્ક કરીને આ લખાણ હટાવવાનું મેં પોલીસને કહ્યું છે. છત્રપતિ સંભાજી મહારાજ આપણા આદર્શ છે. તેમના વિશેનું વાંધાજનક લખાણ ચલાવી નહીં લેવાય.’
ઉલ્લેખનીય છે કે છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ‘છાવા’ ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે ત્યારે છત્રપતિના જીવન વિશે વધુ માહિતી મેળવવા માટે અસંખ્ય લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે. આવી સર્ચ દરમ્યાન જ વિકીપીડિયામાં છત્રપતિ સંભાજી મહારાજ વિશે વાંધાજનક અને ખોટી માહિતી હોવાનું જાણવા મળ્યું છે.
દિલ્હીમાં શિવાજી મહારાજને સલામી આપવામાં આવશે
આજે છત્રપતિ શિવાજી મહારાજની જયંતી છે એ નિમિત્તે દિલ્હીમાં આર્મી દ્વારા નવા મહારાષ્ટ્ર સદનમાં શિવ જયંતીની ઉજવણી કરવાની સાથે સલામી આપવામાં આવશે.