વીજળી પડવાથી એક બળદનો જીવ ગયો, બળદની જોડી પૂરી કરવા ખેડૂતની પત્નીએ હળ જોતર્યું

11 June, 2026 07:07 AM IST  |  Latur | Gujarati Mid-day Correspondent

વાઇરલ વિડિયો જોઈને મહારાષ્ટ્ર સરકાર વહારે આવી, બળદ ભેટ આપીને ખેડૂત દંપતીને મદદ કરી

બળદ સાથે હળ જોતરી રહેલી ખેડૂતપત્ની.

ખેતરમાં બળદની જગ્યાએ ખેડૂતની પત્ની હળ ખેંચતી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં ખેડૂતોની દયનીય પરિસ્થિતિ સામે આવી હતી. જોકે મહારાષ્ટ્ર સરકારે આ ખેડૂત દંપતીની વહારે આવીને બળદની જોડી પૂરી કરી આપી છે. લાતુર જિલ્લાના દેવની તાલુકાના બોંબળી ગામના ખેડૂત કાશીનાથ ગાયકવાડનો એક બળદ પાંચમી જૂને વીજળી પડવાને કારણે મૃત્યુ પામ્યો હતો. ગરીબીના કારણે નવો બળદ ખરીદવા કે ભાડે લાવવા અસમર્થ આ ખેડૂત દંપતી લાચારીમાં ખેતર ખેડી રહ્યું હતું જેમાં પત્ની બળદની જગ્યાએ હળ ખેંચી રહી હતી. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલે તાત્કાલિક રાહત આપવાના આદેશ આપતાં જ પશુપાલન વિભાગ દ્વારા બુધવારે ગાયકવાડ પરિવારને એક બળદ સોંપવામાં આવ્યો હતો જેથી તેમની બળદની જોડી ફરી પૂર્ણ થઈ હતી. સાથે જ સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફંડ હેઠળ નિયમ મુજબ વળતર મંજૂર કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. સરકારી મદદ મળતાં જ પરિવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 

કાશ્મીરમાં મહારાષ્ટ્રના બે જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં કમલકોટ પાસેના લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પાસે થયેલા એક ગ્રેનેડના ધમાકામાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા હતા. મંગળવારે સાંજે LoC પાસે પૅટ્રોલિંગ દરમ્યાન અચાનક થયેલા ધમાકામાં બન્ને જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્રના ઐરોલીમાં રહેતા વિક્રમ ચૌહાણ અને સાતારા જિલ્લાના શહાપુર ગામના અર્જુન જાધવ નામના બે સૈનિકો શહીદ થયા હતા.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra latur