ભીખ આપીને પાપમાં ભાગીદાર નહીં બનતા

22 August, 2026 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પબ્લિકને આવી અપીલ કરી છે મહારાષ્ટ્ર ફૂડ કમિશને, એનું કહેવું છે કે ભીખ આપીને ઑર્ગેનાઇઝ‍્ડ રીતે ભીખ માગવાના ધંધાને અને માનવ-તસ્કરીને પ્રોત્સાહન મળે છેઃ સરકારી યોજનાઓનો લાભ આપીને મહારાષ્ટ્રને ભિક્ષુકોથી મુક્ત કરવાનો ટાર્ગેટ

AI ઇમેજ

રસ્તા પર ભીખ માગતા લોકોને અથવા બેઘર લોકોને ભીખ આપવાને બદલે કે તેમની મદદ કરવાને બદલે તેમને સરકારી યોજનાઓનો લાભ મળે એ માટે સહાય કરવાની અપીલ મહારાષ્ટ્ર ફૂડ કમિશન દ્વારા જનતાને કરવામાં આવી છે. મહારાષ્ટ્રને ભિક્ષુકોથી મુક્ત કરવાના પ્રયાસ માટે આ અપીલ કરવામાં આવી છે. બેઘર હોય અને રસ્તા પર ભીખ માગતા હોય તેમના માટે સરકાર દ્વારા ઘણી જ વેલ્ફેર સ્કીમ અને પુનર્વસનની યોજનાઓ છે જેનો તેઓ લાભ લઈ શકે છે. જોકે યોગ્ય માહિતી અને જ્ઞાનના અભાવે તેઓ આ યોજનાઓનો લાભ લઈ શકતા નથી. 
આ માટે ફૂડ કમિશને સત્તાવાર રીતે રાજ્યના મહિલા-બાળવિકાસ ખાતાને પત્ર લખ્યો છે જેમાં તેમને આ અપીલ કરતાં પૅમ્ફ્લેટ્સ ઠેર-ઠેર વહેંચવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ વિશેનાં પોસ્ટરો લગાવવાનું અને જાહેરાતો કરવાનું પણ પત્રમાં જણાવવામાં આવ્યું છે. 

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આવા લોકોને પૈસા આપવાને બદલે કે સીધું-રૅશનનો સામાન વગેરે આપવાને બદલે તેમને સ્વનિર્ભર બનાવવા માટે મદદ કરવી જોઈએ, રસ્તા પર ભીખ માગતા લોકોને પૈસા આપીને ખરેખર સામાજિક સેવા નથી થતી, આમ કરવાથી ઑર્ગેનાઇઝ્ડ રીતે ભીખ માગવાના ધંધાને તથા માનવ-તસ્કરીને પ્રોત્સાહન મળે છે. 
ફૂડ કમિશને જણાવ્યા મુજબ તેમની પાસે ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ, પ્રેગ્નન્ટ લૅક્ટેટિંગ વુમન, પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ, સ્કૂલ ન્યુટ્રિશન પ્રોગ્રામ જેવી અનેક યોજનાઓ છે. વૃદ્ધ, ટ્રાન્સજેન્ડર અને દિવ્યાંગજનો માટે પણ યોજનાઓ છે. તેથી મંદિરની બહાર, ટ્રાફિક સિગ્નલ પર, ક્યાંય પણ ભીખ માગનારા લોકોને ભીખ ન આપવી જોઈએ. મોટા ભાગે નાનાં બાળકોને જબરદસ્તી દિવ્યાંગ બનાવીને અને તેમને નશાના બંધાણી બનાવીને તેમની પાસેથી ભીખ મગાવવામાં આવતી હોય છે.

mumbai news mumbai food and drink mumbai food food and drug administration maharashtra government maharashtra news maharashtra