✕

દુકાળને કારણે ઘાસચારો મોંઘો થયો, દૂધના ભાવ વધવાની શક્યતા

05 October, 2026 09:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુકાળગ્રસ્ત લાતુર જિલ્લામાં ઘાસચારાની તંગી સર્જાતાં સ્ટૉકમાં રહેલા ઘાસચારાની કિંમત બહુ જ વધી ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં દુકાળની સ્થિતિને કારણે આગામી મહિનાઓમાં દૂધના છૂટક ભાવમાં વધારો થવાની શક્યતા છે; કારણ કે પશુઆહાર, ઘાસચારાની ઘટતી આવક અને ઑક્ટોબર મહિનાની ગરમીની અસર દૂધના ઉત્પાદન અને ડેરીઓ માટે દૂધ ખરીદવાના ખર્ચ પર પડી રહી છે. મહારાષ્ટ્ર રાજ્ય દૂધ વ્યાવસાયિક સંઘટનાના સચિવ પ્રકાશ કુટવાલે કહ્યું હતું કે છેલ્લા બે-ત્રણ મહિનામાં ખેડૂતોને ચૂકવવામાં આવતા દૂધની ખરીદીના ભાવ પ્રતિ લીટર આશરે ૩૫ રૂપિયાથી વધીને ૪૨ રૂપિયા થઈ ગયા છે.
અપૂરતા વરસાદની અસર પશુઆહારની સપ્લાય પર હજી શરૂ જ થઈ છે અને આગામી એક-બે મહિનામાં એ વધુ સ્પષ્ટ થઈ શકે છે એમ જણાવતાં પ્રકાશ કુટવાલે વધુમાં કહ્યું હતું કે ‘દુકાળગ્રસ્ત જિલ્લાઓમાં પશુઆહારનો સ્ટૉક ઘટી રહ્યો હોવાથી અમે અગાઉ વેચાણના ભાવમાં માત્ર બે રૂપિયાનો વધારો કર્યો હતો. આગામી દિવસોમાં અમારે વેચાણના ભાવમાં વધુ વધારો કરવો પડી શકે છે. દૂધની ખરીદીના ભાવમાં વધારા પાછળ ભેળસેળ સામે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ની કડક કાર્યવાહીને કારણે શુદ્ધ દૂધના પુરવઠામાં આવેલી તંગી પણ જવાબદાર છે, જેનાથી બજારમાં આવતા ભેળસેળયુક્ત દૂધના જથ્થામાં ઘટાડો થયો છે.’
પ્રકાશ કુટવાલે જણાવ્યું હતું કે ‘નબળા ચોમાસાની અસર પશુઆહાર અને દૂધની ઉપલબ્ધતા પર પડવાની શરૂઆત થઈ ગઈ છે. જો વરસાદ ઓછો પડે તો આપણી પાસે રહેલું ઘાસ બીજા જ દિવસે ખતમ થઈ જતું નથી. એની અસર ધીમે-ધીમે થાય છે. એ અસર હવે શરૂ થઈ ગઈ છે અને આગામી એક-બે મહિનામાં એ વધુ સ્પષ્ટ થશે.’
પ્રકાશ કુટવાલે ઉમેર્યું હતું કે ‘છેલ્લા બે-ત્રણ મહિનામાં ખરીદીના ભાવમાં પ્રતિ લીટર ૭ રૂપિયાનો વધારો થયો છે, જેમાં પહેલી ઑક્ટોબરે ભાવ ૪૧થી વધીને ૪૨ રૂપિયા થયા હતા. પશુઆહારના ઊંચા ખર્ચ, દૂધની ઓછી ઉપલબ્ધતા અને ભેળસેળ સામેની કાર્યવાહી બાદ પુરવઠામાં આવેલી તંગી આ તમામ પરિબળોને કારણે દૂધના છૂટક ભાવમાં વધારો થઈ શકે છે.’ 

લાતુરમાં ખેડૂતોએ ઘાસચારો મોંઘો થવાથી પશુઓને શેરડી વાઢીને ખવડાવી 
દુકાળગ્રસ્ત લાતુર જિલ્લામાં ઘાસચારાની તંગી સર્જાતાં સ્ટૉકમાં રહેલા ઘાસચારાની કિંમત બહુ જ વધી ગઈ છે. એથી ખેડૂતો તેમના ખેતરમાં ઉગાડેલી શેરડી વેચીને નફો કમાવાને બદલે પશુઓને ઘાસચારામાં શેરડી ખવડાવીને તેમના પશુધનને જીવાડી રહ્યા છે. 

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra Weather Update