02 August, 2026 07:11 AM IST | Yavatmal | Gujarati Mid-day Correspondent
પૂરમાં તણાઈ ગયેલી કારમાંથી માધવી ખંદારે અને તેની બે દીકરીઓ સાચી અને પ્રાચીના મૃતદેહ મળી આવ્યા હતા.
મહારાષ્ટ્રને ધમરોળનાર વરસાદમાં અનેક નાની-મોટી નદીઓમાં પૂર આવ્યાં હતાં અને જાનમાલને નુકસાન થયું હતું. ગુરુવારે રાતે એક કાર પૂરમાં તણાઈ જતાં એક મહિલા અને તેની બે દીકરીઓનાં કરુણ મોત થયાં હતાં. મહિલાના પતિને ઝાડનો આધાર મળતાં તે ઝાડ પકડીને લટકી રહ્યો હતો, પણ તેની નજર સામે જ પત્ની અને બે દીકરીઓ તણાઈ જતાં તેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
યવતમાળ જિલ્લાના આર્ણી તાલુકાના લોણીના રહેવાસી અવિનાશ ખંદારે તેની પત્ની માધવી અને બે દીકરીઓ સાચી અને પ્રાચી સાથે એક પ્રસંગમાં હાજરી આપવા ગુરુવારે રાળેગાવ ગયો હતો. પાછા ફરતી વખતે ભારે વરસાદ હતો. મધરાતના સમયે તેમની કાર દહિલી ગામ નજીક કુપટી નદીના બ્રિજ પર પહોંચી હતી. એ વખતે બ્રિજની ઉપરથી નદીનું પાણી ફોર્સમાં પસાર થઈ રહ્યું હતું. રાતના સમયે એ પ્રવાહનો અંદાજ ન આવતાં કાર પૂરના પાણીમાં તણાવા માંડી હતી.
પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે એ જોઈને અવિનાશ ખંદારેએ તરત જ લોણીમાં તેના સગાને ફોન કરીને કહ્યું કે અમારી કાર પૂરમાં ફસાઈ ગઈ છે, મદદ મોકલો. જોકે તે બોલવાનું પૂરું કરે એ પહેલાં જ કાર પૂરમાં તણાઈ ગઈ હતી અને ફોન કટ થઈ ગયો હતો. એવી પરિસ્થિતિમાં પણ તેમણે બચવાના પ્રયાસ કર્યા હતા. અવિનાશ ખંદારેના હાથમાં ઝાડની એક ડાળી આવી જતાં તે કારમાંથી બહાર નીકળીને એને વળગી પડ્યો હતો. જોકે તેની પત્ની અને બે દીકરીઓને એવી તક મળી નહોતી અને તેઓ કાર સાથે જ આગળ તણાઈ ગયાં હતાં. એ જોઈને અવિનાશે જોરજોરથી બૂમાબૂમ કરીને મદદ માગી હતી. એ સાંભળી ગામના કેટલાક લોકો મદદે આવ્યા હતા, પણ કાર તો આગળ તણાઈ ગઈ હતી અને રાતના અંધારામાં ધસમસતી નદીમાંથી ઝાડને વળગેલા અવિનાશને બહાર કાઢવામાં પણ જોખમ હતું. ભારે પ્રયાસો બાદ આખરે સવારે ૪ વાગ્યે તેને બચાવી લેવાયો હતો અને ત્યાર બાદ ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.
શુક્રવારે બપોરે ૧૨ વાગ્યે તેની કાર મળી આવી હતી. એમાં પત્ની માધવી અને બન્ને દીકરીઓના મૃતદેહ હતા. નજર સામે પત્ની અને દીકરીઓને ગુમાવનાર અવિનાશ ખંદારે પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.