10 August, 2026 06:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આખા મહારાષ્ટ્રમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે દ્વારા સપાટો બોલાવવામાં આવી રહ્યો છે ત્યારે હવે મેડિકલ સ્ટોર્સ દ્વારા કરવામાં આવતી મનમાની પર પણ રોક લગાવવાની FDAની તૈયારી છે. દવાની એક જ ગોળી લેવી હોય એમ છતાં આખી સ્ટ્રિપ લેવા માટે ગ્રાહકોને મજબૂર કરવામાં આવતા હોય છે. જોકે હવેથી ગ્રાહકો જેટલી ગોળી જોઈએ એટલી જ ગોળી લઈ શકશે. જોકે કેટલી દવા લેવાની છે એ અંગે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય છે. જો કોઈ ગ્રાહકને મેડિકલ સ્ટોર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલી દવા છતાં આખી સ્ટ્રિપ લેવાની ફરજ પાડવામાં આવે અને એ બાબતની ફરિયાદ ગ્રાહક કરે તો એ મેડિકલ સ્ટોર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
FDA દ્વારા આવી ફરિયાદની ગંભીર નોંધ લઈને મેડિકલ સ્ટોરનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. જોકે હવેથી આવું થાય તો ગ્રાહકો https://complaints.mahafda.in પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે અથવા તો 1800-222-365 નંબર પર ફોન કરીને ફરિયાદ કરી શકશે.