13 January, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજને દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના હેઠળ ડિસેમ્બર અને જાન્યુઆરી માટે નાણાકીય સહાય મકરસંક્રાન્તિ પહેલાં આપવામાં આવશે, જ્યારે વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે આ પગલું આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે. સ્ટેટ ઇલેક્શન કમિશન (SEC)એ પ્રધાનના આ દાવા પર મુખ્ય સચિવ પાસે રિપોર્ટ માગ્યો હતો. એ પછી SECએ આ બાબતે ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે ડિસેમ્બરની પેન્ડિંગ સહાયની રકમ આપી શકાશે, પણ તહેવારના ઓઠા હેઠળ જાન્યુઆરીની સહાયની રકમ ઍડ્વાન્સમાં નહીં આપી શકાય.
કૉન્ગ્રેસ દ્વારા ફરિયાદો બાદ એણે જાહેરાતના સમય પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે એનો હેતુ ૧૫ જાન્યુઆરીએ ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોની ચૂંટણી પહેલાં મતદારોને પ્રભાવિત કરવાનો હતો.
મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના રાજ્ય સરકારની એક મુખ્ય યોજના છે જે હેઠળ લાયક મહિલા લાભાર્થીઓને માસિક ૧૫૦૦ રૂપિયાની સહાય મળે છે. આ યોજનાને ૨૦૨૪ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને વિજય અપાવવામાં મદદ કરવાનું શ્રેય આપવામાં આવે છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે લાડકી બહિણ યોજના રાજ્ય સરકારની સતત યોજના છે અને એ ચૂંટણીની આચારસંહિતાનાં નિયંત્રણોમાં આવતી નથી.
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી-પ્રક્રિયા પૂરી કરવા સ્ટેટ ઇલેક્શન બોર્ડે સુપ્રીમ કોર્ટ પાસે વધારાનો સમય માગ્યા હતો. એના પર ગઈ કાલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સ્ટેટ ઇલેક્શન કમિશનને રાજ્યની ૧૨ જિલ્લાપરિષદ અને ૧૨૫ પંચાયતસમિતિની ચૂંટણીઓની ૧૫ દિવસ સુધીની મુદત વધારી આપી છે અને ૧૫ ફેબ્રુઆરી સુધીમાં એ ચૂંટણીઓ આટોપી લેવા જણાવ્યું છે.
રાજ્યની બધી જ સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ ૩૧ જાન્યુઆરી સુધીમાં આટોપી લેવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. સ્ટેટ ઇલેક્શન કમિશને મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઇને હાલ વ્યસ્ત હોવાથી જિલ્લાપરિષદ અને પંચાયતસમિતીઓની ચૂંટણી માટે ૧૦ ફેબ્રુઆરી સુધીનો સમય માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૧૨ જિલ્લાપરિષદ અને ૧૨૫ પંચાયતસમિતિઓની ચૂંટણીની મુદત હવે ૧૫ ફેબ્રુઆરી સુધી લંબાવી આપી છે.