વિચિત્ર કિસ્સો: પત્નીની હત્યા કરી ઑફિસ ગયો પતિ, શિફ્ટ પૂરી કરીને કર્યું સરેન્ડર

14 March, 2023 02:22 PM IST  |  Palghar | Gujarati Mid-day Online Correspondent

તેણે સવારે પત્નીનું ગળું દબાવ્યું, આખો દિવસ ઑફિસમાં કામ કર્યું અને સાંજે પોલીસ સ્ટેશન ગયો અને કહ્યું- મેં મારી પત્નીની હત્યા કરી છે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar)માં હત્યાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સોમવારે પાલઘર જિલ્લાના નાલાસોપારામાં પત્નીનું ગળું દબાવી હત્યા કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પાલઘર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે પુરુષને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. આ કારણોસર તેણે તેની પત્નીની હત્યા કરી હતી.

અધિકારીએ જણાવ્યું કે આ વ્યક્તિએ સવારે તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી તેણે પોતાનો ગુનો છુપાવવાનો પ્રયાસ કર્યો ન હતો. તે પત્નીની ડેડ બોડીને ઘરે મૂકીને ઑફિસ ગયો હતો. નવાઈની વાત એ છે કે ઑફિસ પહોંચ્યા બાદ આ વ્યક્તિએ આખો દિવસ કામ કર્યું હતું. ઑફિસમાં આ સમય દરમિયાન, આ વ્યક્તિએ તેના સાથીદારોને હત્યા વિશે કંઈપણ કહ્યું ન હતું.

ઑફિસમાંથી છૂટા થયા બાદ આ વ્યક્તિ પોલીસ સ્ટેશન ગયો અને કબૂલ્યું કે તેણે તેની પત્નીની હત્યા કરી છે. આ વ્યક્તિની હત્યા કર્યા બાદ ઑફિસ જવાની વાતથી પોલીસ પણ આશ્ચર્યચકિત છે. જો કે, એવું લાગે છે કે આ વ્યક્તિ ભારે માનસિક તણાવની સ્થિતિમાંથી પસાર થઈ શકે છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે તે ઘણા એંગલથી તપાસ કરી રહી છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ એક પોલીસ અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે “આરોપી બેરોજગાર હતો અને દંપતી અવારનવાર ઝઘડા કરતા હતા. આવા જ એક ઝઘડા દરમિયાન તેણે કથિત રીતે તેણીની હત્યા કરી હતી.”

બે અઠવાડિયા પહેલાં નાલાસોપારાથી માંડ 6 કિમી દૂર એક વ્યક્તિએ કથિત રીતે તેની 60 વર્ષીય સાસુની હત્યા કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,”આરોપી તેની પત્ની અને તેના પરિવારના સભ્ય સાથે સારા સંબંધોમાં ન હતા અને અવારનવાર ઝઘડો થતો હતો.”

આ હત્યા 24 ફેબ્રુઆરીએ પાલઘર જિલ્લાના વિરારમાં તેમના ઘરે ઉગ્ર દલીલ દરમિયાન થઈ હતી. સાસુએ તેની પુત્રીને પતિના મારથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પતિએ સાસુ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો અને તેને ગંભીર ઈજા થઈ હતી.

આ પણ વાંચો: Mumbai Local: મધ્ય રેલવે પર ટૂંક સમયમાં જ ખુલશે નવા 6 રેલવે સ્ટેશન

પીડિતાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થયું હતું, એમ પોલીસે તેમણે જણાવ્યું હતું. આરોપી વિરુદ્ધ કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

mumbai mumbai news maharashtra