વિરોધ પક્ષના અટૅકની હવા કાઢી નાખવા એકનાથ શિંદેએ કર્યો કાઉન્ટર-અટૅક

04 March, 2025 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર અને અજિત પવારની પાર્ટીના બે પ્રધાનોનાં રાજીનામાંને લઈને વિરોધ પક્ષ સરકારને ઘેરી રહ્યો છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાને તેમને અને દેવેન્દ્ર ફડણવીસને કઈ રીતે ફસાવવાની કોશિશ થઈ હતી એનો રિપોર્ટ ટૂંક સમયમાં રજૂ કરવાની વાત કરી

ગઈ કાલે વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત પહેલાં શાસક પક્ષે વિધાનભવનમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને વંદન કર્યું હતું.

મહારાષ્ટ્ર વિધાનસભાનું ગઈ કાલે મુંબઈમાં બજેટ સત્ર શરૂ થયું હતું ત્યારે વિરોધી પક્ષોએ માણિકરાવ કોકાટે, ધનંજય મુંડે અને રાજ્યમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યચારને મામલે સરકારને ઘેરી હતી. સરકાર આ બાબતે બૅકફુટમાં છે ત્યારે મહાયુતિ સરકારે અગાઉની મહાવિકાસ આઘાડી સરકારનું એક પ્રકરણ ખોલીને કાઉન્ટર-અટૅક કરવાની રણનીતિ અપનાવી હોવાનું કહેવાય છે.

અગાઉની મહાવિકાસ આઘાડીની સરકારના સમયમાં તત્કાલીન વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેને ખોટા મામલામાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબતની એક ​​ક્લિપ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે રજૂ કરી હતી. આ બાબતે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અત્યંત ચોંકાવનારાં તથ્યો બહાર આવી રહ્યાં હોવાનું નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું.

એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘SITની તપાસમાં જે માહિતી મળી છે એ ખૂબ ગંભીર છે. ​​ક્લિપમાં અવાજ કોનો છે એનો પણ ટૂંક સમયમાં ખ્યાલ આવી જશે. SITનો અહેવાલ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. મને અને દેવેન્દ્ર ફડણવીસને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એટલું હું કહીશ.’

maharashtra news maharashtra news eknath shinde devendra fadnavis ajit pawar mumbai union budget shivaji maharaj mumbai news bharatiya janata party nationalist congress party