08 December, 2024 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિધાનભવનમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીની મહાયુતિની સરકારનું ગઈ કાલે ત્રણ દિવસનું સ્પેશ્યલ સેશન શરૂ થયું હતું. આ વિશેષ સત્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા રાજ્યના ૨૮૮ વિધાનસભ્યોના પ્રો-ટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરે ગઈ કાલથી શપથ લેવડાવવાની શરૂઆત કરી હતી. રાજ્યપાલ સી. પી. રાધાક્રિષ્નન દ્વારા પ્રો-ટેમ સ્પીકરની પૅનલમાં નિયુક્ત કરવામાં આવેલા વિધાનસભ્ય ચૈનસુખ સંચેતી, જયકુમાર રાવલ, માણિકરાવ કોકાટે અને આશિષ જાયસવાલના સૌથી પહેલાં શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ મુખ્ય પ્રધાન અને નાગપુર સાઉથ-વેસ્ટ બેઠકમાંથી છઠ્ઠી વખત ચૂંટાઈ આવેલા દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અને થાણેની કોપરી-પાચપાખાડી બેઠકમાંથી ચોથી વખત ચૂંટાઈ આવેલા એકનાથ શિંદે અને બીજા નાયબ મુખ્ય પ્રધાન અને બારામતી બેઠકમાંથી આઠમી વખત ચૂંટાઈ આવેલા અજિત પવારે વિધાનસભ્ય તરીકે શપથ લીધા હતા. મુખ્ય પ્રધાન અને બન્ને નાયબ મુખ્ય પ્રધાને શપથ લીધા ત્યારે વિધાનભવનમાં ‘જય શ્રીરામ’, ‘જય ભવાની જય શિવાજી’ અને ‘એક જ દાદા, અજિત દાદા’નો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.